ડીસામાં પ્રેમલગ્ન કરનાર નર્સ પર શંકા રાખી છૂટાછેડા માટે શારીરિક, માનસિક ત્રાસ આપતા અને છૂટાછેડા નહીં આપે તો પોતાના જ બે બાળકોને મારી નાખવાની ધમકી આપનાર પતિ સામે ફરિયાદ નોંધાઇ છે. જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં પત્ની પર શંકા રાખી છૂટાછેડા માટે પોતાના જ બાળકોને મારી નાખવાની ધમકી આપનાર પતિ સામે ફરિયાદ નોંધાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ 2004ની સાલમાં મૂળ બિહારના પહાડપુરના વતની અને અંબાજીમાં કામ કરતા અખિલેશ આનંદ પ્રસાદ સહાય સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

 શરૂઆતમાં બંને વચ્ચે મનમેળ બરાબર ચાલ્યો હતો અને દાંપત્ય જીવન દરમિયાન તેઓને એક પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ પણ થઈ હતી. બાદમાં આ યુવતી ડીસામાં નર્સ તરીકે કામ કરતી હતી. જ્યારે તેનો પતિ કચ્છના ભચાઉ ખાતે ઇટી કંપનીમાં નોકરી કરતો. જેથી પોતાના બાળકો સાથે એકલી રહેતી પત્ની પર વારંવાર શંકા રાખી તેનો પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.

બાદમાં અખિલેશ સહાય તેને બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી તેની પત્ની પાસે છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો અને જો છૂટાછેડા નહીં આપે તો તેના બંને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી પતિના ત્રાસથી કંટાળેલી યુવતીએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.