ખંભાત નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.જેમાં પાર્ટી દ્વારા પ્રમુખની બેઠક પર યુવા કાઉન્સિલર દિગ્વિજયસિંહ પરમારના નામની મ્હોર મારી હતી.જેને લઈને ભાજપાના 6 અને ભાજપાને ટેકો આપનાર 4 અપક્ષના સભ્યો ભૂગર્ભ ઉતરી જઇ અસંતોષ વ્યક્ત કર્યો હતો.જો કે અસંતોષ કરનાર સભ્યોને મળીને પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલની કાર્યવાહી હાથ ધરી હતી.અને તમામ નારાજ સભ્યોની માંગણીઓને ધ્યાનમાં રાખીને ભાજપા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે.

પ્રમુખ પદ માટે દિગ્વિજયસિંહ પરમારની વરણી કરાઈ છે.જ્યારે અસંતોષ વ્યક્ત કરનાર અને ભૂગર્ભમાં ઉતરી જનાર ભાજપાના 6 સભ્યોમાંથી ઉષાબેન બારૈયાની ઉપપ્રમુખ પદે વરણી કરી છે.ઉપરાંત ભાજપાને ટેકો જાહેર કરી ભૂગર્ભમાં ઉતરી જનાર અપક્ષના 4 સભ્યોમાંથી જીતેન્દ્ર ખારવાની કારોબારી ચેરમેન તરીકે વરણી કરાઈ છે.નોંધનીય છે કે, ભાજપા ટીમે ડેમેજ કંટ્રોલ કરીને પણ નગરપાલિકાનું શાસન ભાજપા પાસે રહે તે રીતે સફળ ઓપરેશન પાર પાડ્યું છે.કોંગ્રેસના 13 સભ્યો હોવા છતાંય કોઇ નેતા ન હોવાથી કોંગ્રેસ પાર્ટીને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.ભાજપાના નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, અને કારોબારી ચેરમેન જીતેન્દ્ર ખારવાને સાંસદ મીતેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેડીસીસી બેંક વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર સહિત સમર્થકોએ, કાર્યકર્તાઓએ, શુભેચ્છકોએ પુષ્પાહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.

(તસવીર : સલમાન પઠાણ - ખંભાત)