ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો જૂથવાદ સપાટી ઉપર આવ્યો હતો. પ્રમુખની વરણી થતાં જ નારાજ થયેલા ભાજપના 12 અને અપક્ષના 2 મળી 14 સભ્યો પાલનપુર બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પાસે દોડી આવ્યા હતા. જેમને સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ડીસા નગરપાલિકામાં અઢી વર્ષની મુદત માટે મંગળવારે પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર ચૂંટાયા હતા. જોકે, તેની સાથે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને વર્તમાન ધારાસભ્ય પ્રવીણ માળી વચ્ચેનો જુથવાદ સપાટી ઉપર આવ્યો હતો. જ્યાં વર્તમાન ધારાસભ્યના જૂથના 12 જેટલા અસંતુષ્ટ તેમજ ભાજપ સમર્થિત બે અપક્ષ સદસ્યો પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દોડી ગયા હતા. અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સમક્ષ રજૂઆતો કરી હતી. જેમણે પોતાના રાજીનામા આપ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતુ.
મંગળવારે નાયબ કલેકટર નેહા પંચાલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિપક્ષે ઉમેદવારી ન નોંધાવતાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયગોર બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત કારોબારી સમિતી ચેરમેન તરીકે ગોવિંદભાઈ મનુભાઈ માખીજા, દંડક તરીકે દિપકભાઈ પ્રકાશભાઈ પઢિયાર અને શાસક પક્ષના નેતા તરીકે છાયાબેન ભરતભાઈ નાઈની વરણી કરવામાં આવી હતી.
જ્યાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર સહિત ભાજપના હોદ્દેદારો, સદસ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કેટલાંક સદસ્યોને અસંતોષ હોવાથી તેઓ અમારી સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા.જોકે, તેઓના રાજીનામું આપવાની કોઈ વાત નથી. અમો પક્ષના મોવડી મંડળ સમક્ષ વાતચીત કરી અસંતોષ રાખનાર ભાજપના સદસ્યોને સમજાવવાના પ્રયાસો હાથ ધરેલા છે અને સમજાવટથી તમામનો અસંતોષ દૂર કરી દેવામાં આવશે.
આ અંગે નવ નિયુકત પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતુ કે, ડીસા પાલિકાના સૌ સાથી સદસ્યો ને સાથે રાખી નગરના વિકાસને અગ્રીમતા અપાશે.