ડીસા તાલુકાના ચોરા ગામની સીમમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકીને સારવાર અર્થે પ્રથમ ધાનેરા અને ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે. બાળકીને ત્યજી દેનાર સામે ગુનો નોંધી આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના ચોરા ગામની સીમમાંથી તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી. ગામની સીમા ઢોર ચડાવવા ગયેલા વ્યક્તિએ સીમમાં અવાવરુ જગ્યામાં બાળકીને રડવાનો અવાજ સાંભળી નજીક જઈને જોતા તાજી જન્મેલી નવજાત બાળકી કપડામાં લપેટાયેલી જોવા મળી હતી. જેથી આ અંગે તેઓએ ગામના આગેવાનોને જાણ કરતા આગેવાનોએ આગથળા પોલીસને જાણકારી હતી. કોઈ મહિલાએ મજબૂરી વશ થઈને અથવા પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

ગ્રામજનોએ 108 વાનને જાણ કરી બાળકીને સારવાર માટે ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ બાળકીનું વજન જન્મ સમયે હોવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.