ડીસામાં સસરાની જમીન પચાવી પાડવા માટે પત્નીને વારંવાર ત્રાસ આપી સસરિયાઓ મારતા હોવાની ઘટના સામે આવી છે. પતિ અને સસરાના જીવલેણ હુમલામાંથી બચેલી પત્નીએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં રહેતી એક યુવતીના લગ્ન 13 વર્ષ અગાઉ સમાજના રીતિ રિવાજ મુજબ વાસણા ગોળીયા ખાતે રહેતા વસંત પરમાર નામના યુવક સાથે થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેમને બે પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી. શરૂઆતના એક વર્ષ બરાબર ચાલ્યા બાદ યુવતીને તેના પતિ અને સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ વસંત પરમાર વારંવાર તેની પત્નીને હેરાન કરી તેના પિતા પાસેથી પૈસા લેવા માટે દબાણ કરતો હતો.

જો કે, આ યુવતીએ ઘર સંસાર ન બગડે તે માટે તેના પિતા પાસેથી અનેકવાર પૈસા લાવીને આપ્યા હતા. તેમજ દસ વર્ષ અગાઉ તેના પિતા પાસેથી ભેંસ લાવી આપવાનું કહ્યું તેના પર હુમલો કરતા હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. જે મામલે યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સમાધાન થયું હતું.

સમાધાન કર્યા બાદ પણ સસરાની જમીન તેના નામે કરવા માટેનું દબાણ કરી તેનો પતિ અને સસરા દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. તે દરમિયાન ગઈકાલે સવારે પરિણીતાના ઘરેથી તેનો ભાઈ દૂધ લઈ ગયો હતો. જેથી પરિણીતાના સસરાએ તારા ભાઈને દૂધ કેમ આપ્યું તેમ કરી ધોકા વડે માર માર્યો હતો. તે સમયે તેનો પતિ પણ દોડી આવ્યો હતો. તેણે પણ પુત્ર થતો નથી, મારા નામે જમીન કરતા નથી તેમ કહીં તેની પત્નીને વાળ ખેંચી નીચે પછાડી, ધોકા વડે હુમલો કરી, ગળુ દબાવી મારી નાખવાની કોશિશ કરી હતી.

જો કે, જેમ તેમ કરી યુવતીએ ફોન કરતા તેના પિતા અને ભાઈ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જે મામલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીએ તેના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, લગ્ન કર્યા બાદ તેમની દીકરીને તેનો પતિ અને સસરા દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેથી હવે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માગ છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવતી કેમરા સમક્ષ રજૂઆત કરતા કરતા રડી પડી હતી.