ખંભાતના રેલ્વે સ્ટેશન તરફથી કોલેજ તરફ જવાના માર્ગ પર ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના વળાંક પાસે છેલ્લા ૧ વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે એટલું જ નહીં સદર ગટર ઉભરાવાથી ગંદા પાણીના માર્ગ ઉપર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે.જેને કારણે અતિ આવશ્યક માર્ગ બંધ થઇ જતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો તેમજ સરકારી કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
મળતી માહિતી અનુસાર, ખંભાતમાં અતિ ઉપયોગી અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓને જોડતો રેલવે સ્ટેશન તરફથી કોલેજ તરફનો માર્ગ ઉભરાતી ગટરના ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયો છે.જેને કારણે રસ્તો બંધ થઇ જતા કોલેજના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો, સરકારી કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.નોંધનીય છે કે, નગરપાલીકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત તંત્ર સદર ગંભીર સમસ્યાના નિરાકરણ બાબતે સંદતર નિષ્ક્રીય સાબિત થયું છે.હજારો ભાવિઓને ગંદા પાણીમાંથી પસાર થઇને જ શાળાઓમાં શિક્ષણ લેવા જવું પડે છે.ડી.વાય.એસ.પી, એસ.પી, પી.એસ.આઇ, નાયબ કલેકટર, સહિતના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ ઉભરાતી ગટરના પાણીમાંથી પસાર થાય છે.કલેકટર સહિત નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય દેખાતા નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.રસ્તાઓ બનતા નથી, બિસ્માર માર્ગ પર ખાડાઓની હારમાળા રચાઈ છે.ઉભરાતા ગટરના ગંદા પાણીથી નર્કાગાર પરિસ્થિતિ યથાવત રહી છે.નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે પ્રમુખ કોઈ પણ સત્તાધીશોને ગંભીર સમસ્યા હલ કરવામાં રસ નથી.રસ છે તો માત્ર સત્તા ભોગવવાનો ! ઠેર ઠેર ગંદકી કારણે નાગરિકોનો આરોગ્ય જોખમાયું છે.પરંતુ નક્કર કાર્યવાહી કરાતી નથી.અલગ અલગ ટેક્ષ ઉઘરાવાય છે પરંતુ પ્રજાને પાયાની સુવિધા આપવાની પાલિકા નિષ્ફળ નીવડી છે.જો કે પાલિકા પ્રમુખ ઇલેક્શનમાં ખંભાતની પ્રજા યુવા અને ભ્રષ્ટાચારમુક્ત, સ્વચ્છ છબી ધરાવતા, પ્રજાલક્ષી કાર્યોમાં અગ્રેસર રહેનાર નેતા પાલિકા પ્રમુખ બને તેવી શહેરીજનોની માંગ પ્રબળ બની છે.
(સલમાન પઠાણ - ખંભાત)