લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ખાતે સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન મળ્યું છે. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી છે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો હોવા છતાં મહાસંમેલનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મો વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.સંમેલનમાં વડોદરાથી આવેલા જ્યોતિનાથ મહારાજે જણાવ્યું હતું કે, સનાતન ધર્મનું અપમાન.. આ બાબતે ઉગ્ર રજૂઆતો અને ઉગ્ર લડત સનાતન ધર્મના સૈનિકોએ આપી. એમણે ભીતચિત્રો હટાવ્યા છે પણ એમને મગજના ચિત્રો હટાવવાની જરૂર હતી. બીજે બધે મંદિરોમાં આડેધડ લખાણ કરેલા છે, છાપેલા છે, મૂર્તિઓ બનાવી છે જેવી કે શિવજી પૂજા કરતાં હોય, પાર્વતિજી પૂજા કરતાં હોય. લખેલું તો એવું છે કે લક્ષ્ણીજી દાસી છે એમના..જ્યોતિનાથ મહારાજે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે જે સમાધાન થયું છે એ સમાધાન કરેલા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કંઇ રીતે થયું? એક તખ્તી હટાવી લેવાથી સમાધાન થતું નથી. વિશ્વ હિન્દુ પરિષદે તો એવું જાહેર કર્યું હતું કે અમારો ટેકો છે. અમારો આ બાબતમાં કોઇ વિરોધ નથી, તો સમાધાન કરવા કેમ ગયા? અમારો વિશ્વ હિન્દુ પરિષદ સાથે કોઇ વિરોધ નથી પણ રાજકીય રોટલા શેકવાની વાત થાય છે એનો વિરોધ છે. સરકારનો પણ વિરોધ નથી, પણ સરકારનો જે ગેરઉપયોગ થાય છે એનો વિરોધ છે. અહીં જે સંતો ઉપસ્થિત થયા છે એ એટલા બધા સક્ષમ છે કે, સરકારને એમની જરૂર પડે છે. સંતોને સરકારની જરૂર નથી. અમે લોક જાગૃતિના અભિયાનો કરીએ છીએ.જ્યોતિનાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો વારો આવી ગયો છે. મૂળભૂત 12 મુદ્દા અને બીજા મુદ્દા આજે ચર્ચાશે. રાજકોટમાં પણ લડાઇ ચાલુ છે, સાવરકુંડલામાં પણ ચાલું છે. કચ્છ, દેત્રોજ અને અમદાવાદમાં પણ લડાઇ ચાલું જ છે અને ચાલું જ રહેશે, કારણ કે, અમારી પરંપરાની અસર કરનારાને અમે માફ કરતા નથી. તમે કાનફટ્ટા એટલે શું સમજો છો? અમે કાન ફાડિયે છીએ, ભલે કાનમાં કુંડળ પહેર્યો હોય પણ બીજાના કાન અમે ફાડિયે છીએ.અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી, અમદાવાદ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ, લિંબડીના નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના લાલદાસ બાપુ, વડોદરાના જ્યોર્તિનાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, નાની કુંડળના અવધબિહારી દાસજી, ભગવાન પરમગુરૂ કરૂણા મંદિરના મહંત નિશ્ચલદાસજી, ગીરનારી આશ્રમના સાધ્વી ગીતાદીદી, જૂનાગઢના શેરનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.