ગુજરાતમાં વર્તમાન સમયમાં સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સાળંગપુર મંદિરમાં 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને જો દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનાવાની સંભાવનાઓ છે. સાળંગપુર ખાતેથી ભીંતચિત્રોને લઈને વિવાદ સામે આવ્યા બાદ હવે એક પછી એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્ર ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. જોકે, જે સમગ્ર બાબતને લઈ વિરોધનો વંટોળ વધી રહ્યો છે. લોયાધામ મંદિરમાં લગાવાયેલા ભીંતચિત્રમાં હનુમાનજીને સેવક દર્શાવાયા છે. અહીં સાળંગપુર જેવી જ હનુમાનજીની મૂર્તિ બનાવાઈ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોયાધામ ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવાયા છે. સંતો જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઇ રહ્યું છે.સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્ર ધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના છેવાડાના પાટડી તાલુકામાં વણીન્દ્રા ધામ આવેલું છે સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પણ હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ સર્જાયો છે. કુંડળધામમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને પણ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.