ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની નિમણૂક કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ, વહીવટી સમિતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો અને ખેડૂતો અને સહકારી આગેવાનોની વારંવાર રજૂઆતને ધ્યાને લઈ સરકારે વહીવટી સમિતિને હટાવી વહીવટદારની નિમણૂક કરી છે.

ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ની સ્થાપના 1955માં કરવામાં આવી હતી. જે સંસ્થા ખેડૂતોના હિતમાં સમયસર ખાતર, બિયારણનું વેચાણ કરે છે, પરંતુ આ સંસ્થામા રાજકારણ ભળી જતા વિવાદો શરૂ થઈ ગયા હતા. સાથે જ અગાઉની વ્યવસ્થાપક કમિટી અને ચેરમેન દ્વારા વ્યાપક ગેરનીતિ કરતા સરકારે ચાલુ વ્યવસ્થાપક સમિતિને હટાવી વહીવટી સમિતિની નિમણૂક કરી હતી.

જેમાં સરકારે પાંચ સભ્યોને નોમિનીટ કરી વહીવટ સંભાળવા આપ્યું હતું. પરંતુ જે સમિતિની ટર્મ પૂર્ણ થતાં ફરી તેઓ 13 ડિસેમ્બર 2023થી 2027 સુધી વહીવટી સમિતિને રાખવા સરકાર સમક્ષ માંગણી કરતા સરકારે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહીત પાંચ સભ્યોને વહીવટી સમિતિમાં નિમણૂક કરી હતી.

જોકે, બાદમાં કેટલીક મંડળીના સભાસદો નામદાર હાઇકોર્ટમાં જઈ ચૂંટણી યોજનાની માગ કરતા કોર્ટે 29 ફેબ્રુઆરી 2024 સુધી ચૂંટણી યોજવા સરકારને આદેશ કરતા સરકારે ચૂંટણી માટે તૈયારિયો શરૂ કરી હતી. પરંતુ વહીવટી સમિતિ ચાલુ હોવાથી અને એ સમિતિ દ્વારા કેટલાક પેટા કાયદામાં સુધારો કરી ચૂંટણી યોજવા માંગતા હતા.

જેના વિરોધમાં વિવિધ સહકારી મંડળીઓના સભાસદો, ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો અગ્રણીઓએ વહીવટી સમિતિ હટાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વહીવટદારની નિમણૂક કરી ચૂંટણી યોજવાની માગ કરી હતી. જેને પગલે ગુજરાત રાજ્ય સહકારી મંડળીના રજિસ્ટ્રાર ડી એચ શાહે ચૂંટણી સમયે વહાવટી સમિતિની જગ્યાએ સરકારી વહીવટદારની નિમણુંક કરી છે અને નિરપક્ષ અને તટસ્થ ચૂંટણી યોજવા માટે પાટણના રજીસ્ટાર શિવપાલસિંહ ઝાલાને નિમિ તાત્કાલિક અસરથી ચાર્જ લેવાનો આદેશ કર્યો હતો.