ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ પોલીસે રેડ કરી જુગાર રમતા 8 શખ્સો ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે જુગારના સાહિત્ય અને રોકડ સહિત કુલ 1.59 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાવણ મહિનામાં જુગાર રમતા શખ્સો પર પોલીસ તવાઈ વરસાવી રહી છે. જેમાં આજે જિલ્લા એલસીબીની ટીમ ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે સમયે જેરડા ગામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી એલસીબીની ટીમ જેરડા ગામે પહોંચી હતી જ્યાં કેદારનગર જવાના રસ્તા પર ત્રણ શખ્સો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી રોકડ સહિત 29 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સિવાય ભીલડી પોલીસને પણ ખાનગી રાખે જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ ઓઢવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યાં એક ખેતર પર લાઈટના અજવાળે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસે રેડ કરી જુગાર રમતા 5 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ભીલડી પોલીસે કુલ પાંચ શખ્સોથી અટકાયત કરી તેમની પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ સહિત કુલ 1.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.