રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર, ક્રાંતિકારી લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સૌપ્રથમ દૈનિક "સૌરાષ્ટ્ર" એટલે કે આજના ફૂલછાબની જન્મભૂમિ એટલે રાણપુર. બોટાદ જિલ્લા સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો બેજોડ રીતે સંકળાયેલા છે. 

રાણપુરમાં એક લીમડાના વૃક્ષ હેઠળ બેસી શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક શોર્યગીતો અને આઝાદી માટે જોમ અને જુસ્સો જન્માવતાં લેખો લખ્યાં હતા. આ જ ગામનાં સ્મશાનમાં બેસી આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્રતા મેળવવા પોતાની આહુતિ આપી દેવાનાં શપથ લીધા હતા. અહીંથી જ સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ શેઠ અને તેમની સાથેના ક્રાંતિવીરોએ સત્યાગ્રહનો આરંભ કર્યો હતો. રાણપુર ખાતે કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર આજે પણ આ ગામનાં ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે. રાણપુર ખાતે પૂજ્ય ગાંધીજી, એ.ડી.શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ સાથે મળીને સ્વતંત્રતા મેળવવા માટેની ચર્ચાઓ કરી હતી.

 ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં વિવિધ રૂપોમાં, ઊર્જાપૂર્વક અને વેગપૂર્વક એટલું બધું લખ્યું કે એકવાર ઉમાશંકર જોશીએ એમને એક પત્રમાં લખેલું કે ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય.’ શ્રી મેઘાણી ‘યુગવંદના’(1935)થી, ‘આગેકદમ’ અને ‘છેલ્લો કટોરો’ જેવાં કાવ્યોથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામ્યા હતા. મેઘાણીએ બહુ મોટા પાયા પર, કવિતા-વાર્તા-નવલકથા-ઇતિહાસ-પત્રકારત્વનાં લખાણો/પુસ્તકોનાં અનુવાદો-રૂપાંતરો આપ્યાં છે ને જીવનભર નિતાન્ત લેખક રહ્યા છે. ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી અનેક રચનાઓ આજે પણ લોક હૈયે છે.

ત્યારે આવા મહાન વિભૂતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન…