ડીસા તાલુકાના ભોયણ ગામે પવિત્ર શ્રાવણ માસમાં જ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે ગ્રામજનોએ કાર્યવાહીની માગ કરી છે.

ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો બનાવ બન્યો છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના મંદિરમાં દરરોજ પૂજા દર્શનાર્થે લોકોની ખૂબ જ ભીડ જામે છે.

ત્યારે આજે વહેલી સવારે પૂજારીએ મંદિર ખોલતા જ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ કોઈએ તોડી નાખેલી પડી હતી. જેથી મંદિરમાં પૂજા કરવા આવનાર ભક્તોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ અંગે ગામના સરપંચ મહેન્દ્રભાઈ પ્રજાપતિને જાણ કરાતા સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા. કોઈ અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન હનુમાનજીની મૂર્તિ ખંડીત કરતા લોકોની લાગણી દુભાઈ હતી.

આ બાબતે ગામના સરપંચ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નીલકંઠ મહાદેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિ તોડી નાખી હોવાની પૂજારીએ જાણ કરતાં અમો તાત્કાલિક આવી ડીસા તાલુકા પોલીસને જાણ કરી છે.

જ્યારે મંદિરે દોડી આવેલા ગામના પૂર્વ ડેલીગેટ જયંતીજી ઠાકોર અને યુવા અગ્રણી પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગામમાં મંદિરોમાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓ ખંડિત કરવાની ચેષ્ટા કરાય છે. અગાઉ પણ રામાપીરના મંદિરમાં કોઈ અસામાજિક તત્વોએ રામદેવપીરના ઘોડાઓ બાળી નાખ્યા હતા. આમ અવારનવાર મંદિરો પર હુમલા કરી મૂર્તિઓ ખંડિત કરતાં શખ્સો સામે પગલાં લેવા જરૂરી છે.