પાવીજેતપુર તાલુકાના બારાવાડના કોતરમાં નાહવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત

          પાવીજેતપુર તાલુકાના બારાવડ ગામે આવેલા કોતરમાં નાહવા પડેલા ત્રણ બાળકોમાંથી બે બાળકો પગ લપસી જતા વધુ ઊંડા જતા રહેતા બે બાળકોના કરુણ મોત થયા હતા જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. 

         પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના બારાવાડના ત્રણ બાળકો કુતરમાં નાહવા પડ્યા હતા. ધોરણ બે માં અભ્યાસ કરતો દેવરાજ કંચનભાઈ રાઠવા ( ઉ. વ. ૭ ), તેનો નાનો ભાઈ મુનિરાજ કંચનભાઈ રાઠવા તેમજ રાણીઘોડા ફળિયાનાજ નિતીન સુરેશભાઈ રાઠવા ( ઉ. વ. ૫ ) ત્રણેય છોકરાઓ બારાવાડના કોતરમાં નાહવા પડ્યા હતા. નાહી રહ્યા હતા ત્યારે દેવરાજ તથા નિતીન નો પગ લપસી જતા વધુ ઊંડાણમાં જતા રહ્યા હતા. તે સમયે મુનિરાજ પરિસ્થિતિને સમજી જતા બહાર નીકળી જઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોને તેમજ પોતાની વિધવા માતાને જાણ કરતા સ્થળ ઉપર લોકો દોડી આવ્યા હતા. આ ઘટના બપોરે બે વાગ્યાના અરસામાં બની હતી. આજુબાજુથી જનતા દોડી આવી શોધખોળ આરંભતા ચાર વાગ્યે દેવરાજભાઈ કંચનભાઈ રાઠવા ની લાશ મળી હતી. ત્યારબાદ વધુ શોધખોળ કરવા છતાં બીજા બાળકની લાશ ન મળતા છોટાઉદેપુર થી અગ્નિશામક દળના નિષ્ણાતો ને બોલાવતા તેઓ મુનિરાજે બતાવેલા લોકેશન પ્રમાણે શોધખોળ આરંભી હતી. ત્યાંથી નાના બબલ્સ નીકળતા હોય તેને ટાર્ગેટ કરી પાંચ વર્ષથી પણ નાના એવા નિતિનની લાશને બહાર કાઢવામાં આવી હતી. બંને નાના ભૂલકાઓની લાશ પાણીમાંથી બહાર નીકળતા સમગ્ર પંથકમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

          આમ, પાવીજેતપુર તાલુકાના બારાવડ ગામે કોત્તરમાં નહાવા પડેલા ત્રણ છોકરા માંથી બે છોકરા ડૂબી જતા કમ કમાટી ભર્યું કરુણ મોત થયા હતા.