ડીસા તાલુકાના તાલેપુરા ગામે કચરો વાળવા જેવી નજીક બાબતે તકરાર કરી મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પતિએ પત્નીનું ઉપરાણું લેવાને બદલે તેને ઘરમાંથી કાઢી મુકતા પતિ, કાકા સસરા, દિયર સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસામાં એક યુવતીના લગ્ન તાલેપુરા ગામે રહેતા દેવાભાઈ વાઘેલા સાથે સાત વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. દામ્પત્ય જીવન દરમિયાન તેમને બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી અને તેઓ તેમના કાકા સસરા પાસે એક જ ઓસરીએ રહેતા હતા. ત્રણ દિવસ અગાઉ મહિલા તેના ઘરના આંગણામાંથી કચરો વાળતી હતી. તે સમયે તેનો દિયર પ્રકાશ તેમના ઘર તરફ કચરો કેમ નાખે છે તેમ કહી બોલાચાલી કરી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈ મહિલા પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. સદનસીબે મહિલાએ બચવા માટે હાથ આડો કરતા તેને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટના અંગે મહિલાએ તેના પતિને વાત કરી હતી. પરંતુ તેના પતિ અને સાસુએ હુમલો કરનારને ઠપકો આપવાને બદલે તેનું ઉપરાણું લઈ મહિલા સાથે જેમતેમ વાત કરી હતી અને તે ખરાબ છે તેના કારણે પરિવારમાં વારંવાર ઝઘડાઓ થાય છે. તેમ કહી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પીડિત મહિલા પોતાના બે બાળકો સાથે પિયર આવી ગઈ હતી. જે મામલે પીડિત મહિલાએ તેના પતિ, કાકા સસરા, દિયર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.