વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ 

મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ 

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ પ્રસિદ્ધયાત્રાધામ વડતાલમાં , રવિસભામાં , વૃક્ષારોપણ માટે, શ્રીહરિકૃષ્ણ એગ્રો અજરપુરાના સૌજન્યથી , વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના ૫૬માં જન્મદિન નિમિત્તે ,પાંચ હજાર છ સો આંબાની કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું . ૧૫૦થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને વલસાડની કેસર કેરીની કલમોની ચાર ફૂટના છોડ આપવામાં આવ્યા છે. આ પર્યાવરણના જતન માટે સંસ્થાની નવતર પહેલ છે. 

૬૭મી રવિસભામાં મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતની કથા દ્વારા શ્રદ્ધા વિશ્વાસ અને શરણાગતિની દ્રઢતા કરાવી હતી અને આઝાદીના અમૃતપર્વ નિમિત્ત હરઘર તિરંગો લહેરાવવા અપીલ કરી હતી .

આ પ્રસંગે પંકજભાઈ દેસાઈ મુખ્ય દંડકશ્રી , રાજેશ ગઢીયા - એસ પી ખેડા , જયંત બોસ્કી - નેતા એન સી પી વગેરે રાજદ્વારી મહાનુભાવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો સંત સ્વામી અને પંકજભાઈ દેસાઈ ના હસ્તે 

વડતાલ મંદિર દ્વારા “ હર ઘર તીરંગા , શ્રીજી કે મંદિર પે તિરંગા “ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો હતો . 

પંકજ દેસાઈએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આંબાના છોડ આપીને મંદિરે પહેલ કરી છે. ફળાવ વૃક્ષ હોવાથી લોકો સ્વયં જતન કરીને ઉછેર કરશે અને આ તો મંદિરમાંથી મળે છે માટે પ્રસાદીરૂપમાં તેનું જતન કરીને ઉછેર કરવા ભલામણ કરીને રાજ્ય સરકાર દ્વારા વિરાટ ફલક પર જે રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેની વિગતવાર માહિતી આપી હતી અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે સંસ્થાના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. એસ પી રાજેશ ગઢિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે, આ તિરંગો ફરકાવીશું તે રાષ્ટ્ર ગૌરવની સાથે સાથે સીમા સુરક્ષા કરી રહેલા સૈનિકોના આત્મવિશ્વાસને વધારશે. 

આજરોજ સંસ્કૃતપાઠશાળાથી હરિઓમ સ્વામી , બ્રહ્મસ્વરુપ સ્વામી વગેરે સંતોએ આશીર્વાદ આપ્યા હતા. 

વડતાલ મંદિરના હિંડોળા દર્શન , રોજ સ્વા લાખ તુલસીદળ અર્ચન , ૫૧ હજાર બીલીપત્ર અર્પણ , અખંડધુન જેવા પવિત્ર ભક્તિમય કાર્યોની વચ્ચે આંબા વિતરણ અભિયાનને સફળ બનાવવા માટે ભાવેશભાઈ અજરપુરાની ભાવના પ્રમાણે ખૂબ જહેમત લઈને વડતાલ મંદિરની સ્વયંસેવક ટીમ કામ કરી રહી છે. એક એક વ્યક્તિના નામ નંબર નોંધીને જવાબદારી પૂર્વક આંબાની કલમો આપી રહી છે . કોઈને સાનુકૂળતા વધુ હોય તો સ્વયંસેવક ટીમ શ્યામવલ્લભ સ્વામીના માર્ગ દર્શન પ્રમાણે તેમને ત્યા જઈને આંબા રોપવા સુધીની સેવા કરે છે.