ચોરીની વારદાતોમાં ઉછાળો આવ્યો હોય અને જાણે ચોરોમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યાં છે. આજકાલ ઘરની બહાર પણ સામાન્ય નાગરિક સુરક્ષિત મહેસુસ કરી શક્તો નથી. આવી જ એક ઘટના ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા સુખદેવનગર સોસાયટીમાં મોડી રાત્રે વોકિંગ કરી રહેલા જમીન દલાલ સાથે બની હતી. જ્યાં યુવક ઘરની બહાર વોકિંગ કરી રહ્યો હતો અને પાછળથી બે શખ્સોએ હુમલો કરી સોનાના દોરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા શખસો સુધી પહોંચવા શોધખોળ હાથ ધરી છે.

ડીસાની સુખદેવ નગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ઠક્કર જમીન દલાલનો વ્યવસાય કરે છે. જેઓ રાબેતા મુજબ ગઇકાલે રાત્રે જમ્યા બાદ સોસાયટીના રસ્તા પર વોકિંગ કરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખસોએ પાછળથી આવી પાઈપ જેવા હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. પાઈપનો એક જ ફટકો મારી જીતેન્દ્રભાઈને જમીન પર ઢાળી દીધા હતા. અચાનક હુમલો થતાં જીતેન્દ્રભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રસ્તા પર પડી ગયા હતા. આ બંને શખસો તેમના ગળામાં પહેરેલી ત્રણ તોલાના સોનાના દોરાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા.

સોસાયટીમાં ઘરની બહારના રસ્તા પર વોકિંગ કરી રહેલા જીતેન્દ્રભાઈ CCTVમાં દેખાયા પ્રમાણે થોડા આગળ વધે છે. ત્યાં જ બે લોકો તેમની પાછળ દોડતા આવતા દેખાય છે. જેવા જીતેન્દ્રભાઈ પાછળ વળીને જુએ છે. ત્યાંજ તેમને બે શખસોમાંથી એક પાઈપ વડે જોરદાર ફટકો મારે છે. અચાનક ફટકો પડતા જીતેનદ્રભાઈ સંતુલન ગુમાવીને થોડે દૂર જઈ નીચે પટકાય છે. ત્યાર બાદ બંને શખસો તેમની પાસે જઈ એક યુવક ગળામાંથી ચેઇન કાઢવાનો પ્રયાસ કરે છે. તો બીજો શખસ પાઇપ વડે જીતેન્દ્રભાઈને ઉપરાછાપરી પાઈપો મારી લોહીલુહાણ કરી મુકે છે. બાદમાં ચેઇન લૂંટી બંને શખસો સોસાયટીની બહાર તેમની રાહ જોઈ રહેલા સાગરીતની બાઈક પાછળ બેસી ફરાર થઈ જાય છે.

આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. લૂંટ થઈ હોવાની જાણ કરતાં જ ડીસા શહેર દક્ષિણ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી તેમજ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ કરતા અજાણ્યા 3 શખસો બાઈક પર આવ્યા હતા. જેમાંથી એક શખસ બાઇક લઈને સોસાયટી બહાર ઉભો હતો અને બાકીના બે શખ્સોએ જીતેન્દ્રભાઈ પર હુમલો કરી લૂંટ આચારી ત્રણેય બાઈકમાં બેસી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે.