શીથોલના યુવાનો દ્વારા નદીના પટમાં ભુંગળા નાખી કામ ચલાઉ ડાયવર્ઝન બનાવતા બાઈક ચાલકોને રાહત
પાવીજેતપુર તાલુકાના શીથોલ ગામના યુવાનોએ મોટીરાસલી થી સિથોલ ગામ વચ્ચે નદીના પટમાં ભુંગળા નાખી કામ ચલાઉ ડાયવર્ઝન બનાવતા ૩૫ થી ૪૦ કિલોમીટરના સ્થાને ૩ કિલોમીટરના અંતરે બાઈક ચાલોકો તાલુકા સ્થળ સુધી પહોંચી જતા બાઈક ચાલકો માં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાવીજેતપુર તાલુકાના સિહોદ ખાતે ભારજ નદી નો પુલ વધુ વરસાદના કારણે બેસી જતા આ રસ્તો ૨૯ જુલાઈ થી સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પાવીજેતપુર તાલુકાના ગામડાઓનો સીધો સંપર્ક તાલુકા સ્થળ થી ખોરવાઈ જતા તાલુકાની જનતાને ૩૫ થી ૪૦ કિલોમીટરનો ફેરો પડતો હતો. તાલુકા સ્થળ ઉપર જવા માટે ત્રણથી ચાર કિલોમીટરના સ્થાને ૪૦ કિલોમીટર જેટલું અંતર કાપવાનું આવતા સ્વાભાવિક રીતે જ લોકો તાલુકા સ્થળ ઉપર આવવાનું ટાળતા હતા. જેના કારણે પાવીજેતપુરના બજારોમાં પણ ગ્રાહકી દેખાતી ન હતી. વેપારીઓ ઉપર પણ ટેન્શન ના વાદળો છવાઈ ગયા હતા.
પાવીજેતપુર તાલુકાની ભારજ નદીની સામે બાજુ આવેલા સીથોલ, વાઘવા, ઢલકી, કોલીયારી, હુડ, વદેશીયા, વાંકી, ભાનપુરી વગેરે ગામોની જનતાને ડુંગરવાટ થઈને અથવા તો બોડેલી થઈને પાવીજેતપુર તાલુકા સ્થળ ઉપર આવવું પડે તેવી હાલત થઈ ગઈ હોય જેથી જનતાને ૩૫ થી વધુ કિલોમીટરનો ફેરો પડતો હતો. ત્યારે સ્વાભાવિક રીતે જ આટલો મોટો ફેરો ન પડે તે માટે બાઈક ચાલકો જીવના જોખમે નદીના પટમાં પોતાની બાઇકો ઉતારી સિથોલ થી મોટીરાસલી તરફ જતા હતા અને ત્યાંથી પાવીજેતપુર તાલુકા સ્થળ ઉપર પહોંચતા હતા. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા આ જગ્યા ઉપર ડાઈવરજન બનાવવાની કલેકટરને માંગ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સિથોલ ગામના યુવાનો ભેગા મળી સિથોલ થી મોટીરાસલી વચ્ચે નદીનો પટ આવેલો છે ત્યાં ૧૦ જેટલા મોટા ભુંગળા નાખી, તેની ઉપર રેતી ભરેલી થેલીઓ મૂકી, રેતી, માટી નાખી એક કામ ચલાઉ,બાઈકો પસાર થાય એવું નાનું ડાયવર્ઝન બનાવી દેતા, બાઈક ચાલુકો તેમજ સામે બાજુના ૩૫ થી વધુ ગામોની જનતાએ રાહતનો દમ લીધો છે. સીથોલના યુવાનોએ જણાવ્યું હતું કે એક કલાકમાં ૫૦૦ થી વધુ બાઈકો અહીંયાથી અવર-જવર થઈ રહી છે. તે પ્રમાણે રોજની હજારો બાઈકો અહીંયા થી અવરજવર થશે. તેથી મોટી સંખ્યામાં બાઈક ચાલકોને ૩૫ થી વધુ કિલોમીટરના સ્થાને ત્રણ કિલોમીટરમાં જ તાલુકા સ્થળ ઉપર પહોંચી શકાશે.
આમ, પાવીજેતપુર તાલુકાના શિથોલ ગામના યુવાનો દ્વારા શિથોલ થી મોટીરાસલી વચ્ચે આવેલા નદીના પટમાં ભુંગળા નાખી કામ ચલાઉ ડાઈવરજન બનાવી દેતા બાઈક ચાલકોએ રાહતનો દમ લીધો છે. તેમજ આગળ રક્ષાબંધન આવી રહી છે તો વેપારીઓમાં પણ આ રસ્તો ચાલુ થતા થોડોક આનંદ જોવાઈ રહ્યો છે. સિથોલ ગામના યુવાનો જો રસ લઈને નાનુ ડાયવર્ઝન બનાવી આ રસ્તો ચાલુ કરી શકતા હોય તો વહીવટી તંત્ર આ અંગે વધુ ધ્યાન આપી વધુ મજબૂત અને મોટુ ડાયવર્ઝન બનાવી દે તો ફોરવ્હીલ પણ અહીંયાથી પસાર થઈ શકે તેમ છે. તો તંત્ર આ અંગે ધ્યાન આપે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.