બનાસકાંઠામાં ડીસાના રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી એક મજૂરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ડીસા તાલુકાના જોરાપુરા ગામે રહેતા 45 વર્ષીય હરજીજી ભાઈચંદજી ઠાકોર કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આજે સવારે કડિયા કામે જવાનું કહી ઘરેથી ટિફિન લઈને મજૂરી કામ અર્થે નીકળ્યા હતા.

તેમજ મોડી સાંજે રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવી લાશને બહાર કાઢી હતી. ઘટનાને પગલે આજુબાજુ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણતા જ જોરાપુરા ગામના સરપંચ પ્રકાશ ઠાકોર સહિત મૃતકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને ડીસા તાલુકા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી

ડીસા તાલુકા પોલીસે અત્યારે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મજુર બનાસ નદીએ કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતે તેમનું મોત થયું તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ અત્યારે નદીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે બાળકોના પિતા અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઘરના મોભી વ્યક્તિનું આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.