જોરાવરનગરની ખાનગી શાળાના સંચાલકને દારૂ પીને ફોન પર ધમકી આપવામાં આવી હતી. જેમાં નાણા માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભયનો માહોલ છવાયો છે. આથી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, દશનામ ગોસ્વામી સમાજ સહિત દ્વારા જિલ્લા પોલીસ વડાને  રજૂઆત કરી કર્યવાહીની માગ કરી હતી.સુરેન્દ્રનગરના જોરાગરનગરની સેતુ સંસ્કાર સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષક વર્ષાબેન અશોકગીરી ગોસ્વામીની શાળાના આચાર્ય સેતુગીરી ગોસ્વામીને જોરાવરનગરના સુભાષ રોડ શેરી નં. 10ના રહીશ યોગેન્દ્રસિંહ સહદેવસિંહ રાણા દ્વારા તા.17-7-2023ના રોજ ફોન કરી સ્કૂલ ચલાવવી હોય તો મને રૂપિયા આપવા પડશે આથી સેતુભાઇએ અમે કોઇ ગેરકાયદે કામ કરતા નથી કોઇને પૈસા આપવાની જરૂર નથી કહેતા યોગેન્દ્રસિંહે ગાળો આપી ફોન કટ કરી દીધો હતો. બાદમાં ફરી ફોન કરીતારે સ્કૂલ ચાલુ રાખવી છે કે તાળા મરાવી દઉં તેમ કહી હવે તારે ગામમાં રહેવું ભારે પડી જશે તને જોઇ લઇશ તારી સ્કૂલ બંધ કરાવી દઇશની ધમકી આપી નંબર બ્લોકમાં મુકી દીધો હતો. જ્યારે તા.3-8-23ના રોજ રાત્રે સ્કૂલના ગેઇટ પાસે દારૂ પીને આવી યોગેન્દ્રસિંહે બેફામ ગાળ આપી હતી. બીજા દિવસે ફોન કરી તારો આ છેલ્લો મહીનો છે.પૈસા આપી દેજે નહિતર તાળા મરાવી દઇશ તેમ કહી આજે રાતે ઘરે આવીને મારી નાખીશ તેમ કહી જીવલેણ હુમલાની ધમકી આપી હતી. આ બનાવને લઇ ખાનગી શાળા સંચાલક મંડળના સુનીલભાઇ મોટકા, મહેશભાઇ કાનાણી તથા દસનામ ગોસ્વામી પ્રમુખ કેશુપુરી ગોસ્વામી, ઉપપ્રમુખ કલ્પેશગીરી ગોસ્વામી, દિનેશગીરી ગોસ્વામી સહિત ભોગ બનાનારે જિલ્લા પોલીસ વડા કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.