માત્ર 10 માસની માસૂમ બાળાને શરદી ઉધરસના ઈલાજ વડગામના 80 વર્ષના માજીએ સિકોતરમાંના મંદિરે પેટ પર ગરમ સોયના 3 ડામ આપ્યા બાદ તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી. દસાડા પોલીસ દ્વારા માજીની અટક કરાયા બાદ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવ્યા નથી. દસાડા પોલીસ મથકમાં આરોપી વૃદ્ધા હજી પણ પોલીસને કહી રહ્યા છે કે, બાળકી એકદમ સાજી થઈ જશે. સૌ કોઈ આશા પણ રાખી રહ્યા છે કે બાળકી સાજી થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફરે.મૂળ વિરમગામના અલીગઢ ગામે રહેતા દેવીપૂજક પરિવારની માત્ર 10 માસની માસૂમ બાળકીને કેટલાક દિવસોથી વરદ અને ઉધરસ થઇ જતા વિરમગામ એક્સરે સાથેનો રીપોર્ટ કરાવતા ડોક્ટરે ઇલાજ માટે રૂ. 50થી 60 હજારનો ખર્ચો હોવાનું જણાવતા તેઓ પાટડી તાલુકાના વડગામ ખાતે રહેતા વૃદ્વ પુતળીબેન પાસે ડામ આપવા લઈ જતા એમણે વડગામ નજીક સિકોતરમાંના મંદિરે 10 માસની જીવીત બાળકીને પગે લગાડીને માતાજીના દિવા પર સોય દોરાની સોયને ગરમ કરી પેટ પર ગરમ સોયના ત્રણ ડામ આપ્યા હતા. બાદમાં બાળાની તબિયત લથડતા એને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. બીજી બાજુ દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા દ્વારા વડગામના 80 વર્ષના વૃધ્ધા પુતળીબેનની અટક કરી હતી.દસાડા પોલીસે માજી વિરુદ્ધ આઈપીસી કલમ- 308 (2) અંગેનો ગુન્હો એટલે કે, અજાણતા થયેલી ભૂલથી મોત થવા સુધીની સંભાવના અંગેનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ દસાડા પોલીસ દ્વારા માજીની અટક કરાયા બાદ પણ વૃદ્ધા અંધશ્રદ્ધા ભરેલી વાત કરી રહ્યા છે. દસાડા પોલીસ મથકમાં ચોંધાર આંસુએ રડતા માજી પુતળીબેન કહે છે કે, મારી પહેલી વાર ભૂલ થઇ છે, હજી મને વિશ્વાસ છે કે, બાળકી એકદમ સાજી થઇ જશે અને મેં અત્યાર સુધીમાં અનેક બાળકોને ડામ આપીને સાજા કર્યા હોવાનું જણાવ્યું હતુ. હાલ રાજકોટ બાળકીની તબિયત સ્થિર હોવાનું 10 માસની કોમલના પિતા પ્રવિણભાઇએ દસાડા પોલીસને જણાવ્યું હતુ. સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે, બાળકી સાજી થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફરે. પરંતુ, આ પ્રકારની અંધશ્રદ્ધાના કારણે અન્ય કોઈ માસૂમ ભોગ ન બને તે પણ જરુરી છે.