"આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા.9થી 31 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં "મારી માટી, મારો દેશ" અભિયાન હાથ ધરવામા આવ્યું છે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે આજે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનના કારણે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. આ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં "મારી માટી, મારો દેશ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરના તમામ એટલે કે, 2.5 લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને "અમૃત મહોત્સવ સ્મારક" તેમજ 'અમૃતવાટિકા"નુ નિર્માણ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમા ઠેર-ઠેર સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાનુ આયોજન કરવામા આવશે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોમા પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.અભિયાન અંગે વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્થાનિક કક્ષાએ મુખ્ય પાંચ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં 'શીલાફલકમનુ સ્થાપન' કાર્યક્રમ અંતર્ગત દરેક ગામ અને ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલા અમૃત સરોવર કે તળાવો ખાતે પથ્થરની તકતી ઉભી કરવામાં આવશે. આ તકતીમાં સ્થાનિક વીરોના નામોનો પણ સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ 'પંચ પ્રણ પ્રતિજ્ઞા' કાર્યક્રમમાં લોકો હાથમાં માટી અથવા માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે. 'વસુધા વંદન' કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતમાં પંચાયત દિઠ 75 રોપાઓનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવશે. 'વીરોને વંદન' કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક કાર્યક્રમમા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારને આમંત્રિત કરીને તેમનુ સન્માન કરવામાં આવશે.