ચમત્કાર બતાવી ધાર્મિકવિધિ કરી ફાયદો કરી આપવાના બહાને છેતરપિંડી કરી રોકડ, સોનાના દાગીના લઈ ગયાની ફરિયાદ ઉના પોલીસ મથકમાં 7 મહિના પહેલા નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરતા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા જ ઉનાના સનખડા ગામની પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવી હતી. દિલુનાથ શાંતુનાથ પરમાર રહે.ઝાલણસર, જૂનાગઢ અને નારણનાથ ઊર્ફે ચકાભાઈ સુરાનાથ ધાંધલને ઝડપી લીધા હતા. અને બાઈક, સોનુ સહિત રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કેટલા સમય કેટલા લોકોને આ ઝાળમાં ફસાવ્યા છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આજથી આશરે સાડા સાતેક મહીના પહેલા ફરિયાદીના ઘરે અજાણ્યા બે શખ્સો આવી પોતે રામાપીરના ભગત છે અને રામાપીરનો પાઠ કરવાનો હોવાથી આમંત્રણ આપવા આવેલા છીએ. તેવી ધાર્મીક વાતો કરી ફરિયાદી તથા તેના પતિને વિશ્વાસમાં લઇ તમારો ફાળો જોતો નથી તમે પહેરેલા સોનાનો ચેઇન તથા વિંટી તથા રોકડા રૂપિયા તેની પાસેના રૂમાલમાં મુકાવી રૂમાલમાં રાખેલા દાગીના તથા રોકડ રૂપિયાને બદલે જુવાર ફરીના સાડીના છેડામાં રાખી સોનાનો ચેઇન, સોનાની વીટી તેમજ બાઈક સહિત કુલ મળી રૂ.1.65 લાખના સોનાના દાગીના તથા રોકડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. દાગીના તથા પૈસાનુ પોટલું લઇ બંન્ને શખ્સો ભાગી ગયા હતા. જે અંગે ઉના પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી આ શખ્સોએ અગાઉ પણ ગીરગઢડાના મોતીસર ગામની સીમમાં ખેડૂત પાસેથી વીસ હજાર જ્યારે એક વર્ષ પહેલાં બોટાદના ગઢડાના કાપરડી ગામેથી ખેડૂત દંપતિને ઘેન યુક્ત પદાર્થ ખવડાવી તિજોરીમાંથી રૂ.50 હજાર લઈ ફરાર થઇ ગયા હોવાનુ કબૂલાત કરી હતી. આ શખ્શોની ગુનો કરવાની મોડ્સ ઓપરેન્ડી જોઈએ તો ભગત અને માતાજીની ઓળખ આપી લોકોને બાટલીમાં ઉતારતા હતા અને દાગીના, રૂપિયામાં ત્રુટકો છે કહી લોકોને વિધિ કરવાનું કહી પોતાનો ઈરાદો પાર પાડતા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે દિલુનાથ શાંતુનાથ પરમાર તેમજ નારણનાથ ઊર્ફે ચકાભાઈ સુરાનાથ ધાંધલને ઝડપી પાડી રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કેટલા સમય કેટલા લોકોને આ ઝાળમાં ફસાવ્યા છે તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે