લીંબડી અમદાવાદ હાઈવે ખાતે જાખણ ગામના પાટિયા પાસે અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરથી કટારિયા ગામના યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી ન્યાય મેળવવા મૃતકના પરિવારજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. લીંબડી અમદાવાદ હાઈવે જાખણ ગામના પાટીયા પાસે તા. 27 જુલાઈએ લીંબડી તાલુકાના કટારીયા રહેતાં અરવિંદભાઈ માલાભાઈ માથાસુરીયા લીંબડીથી મજુરી કામ કરીને તેમના ઘેર પરત ફરી રહ્યા હતાં.તે સમયે જાખણ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને પુરપાટ ઝડપે આવીને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં અરવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી છુટયો હતો. ત્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અરવિંદભાઈની ડેડ બોડીને પીએમ અર્થે લીબડી આર.આર.હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.પરંતુ હાલ સુધી પોલીસ તંત્ર દ્વારા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવામાં કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતાં મૃતકનો ભાઈ તથા તેના પરિવારજનો અકસ્માતવાળી જગ્યાએ ન્યાય માટે લડત ચલાવવા ઉપવાસ ઉપર બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે, તેના મૃતક ભાઈ અરવિંદભાઈ માથાસુળીયાને ત્રણ પુત્રીઓ છે. અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ પુરૂ પાડે એવું હવે રહ્યું નથી. જેથી કરીને પોલીસ તંત્ર દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવામાં આવે તેમજ તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા પરિવારને ન્યાય મળે તેવી માંગ માટે આ ઉપવાસી આંદોલન શરૂ કરાયું છે.