સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારિરીક રીતે સંપન્ન થાય તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને ’નારી વંદન ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર હેઠળ કાર્યરત જિલ્લાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ અને ગર્ભપરિક્ષણ અટકાવવા અંગેના કાયદાઓની જાણકારી છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા કાનૂની સેવા સમિતિ, વઢવાણ દ્વારા આંગણવાડી નં.41, લાડકીબાય કન્યા શાળા, ખાંડીપોળ, વઢવાણ ખાતે આયોજિત શિબિરમાં એડવોકેટ એ.યુ.પરમારે તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, લિંબડી દ્વારા બી.આર.સી. ભવન, લિંબડી ખાતે આયોજિત શિબિરમાં એડવોકેટ કરિશ્માબેન મિરઝા અને મંજુબેન રાઠોડે તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાટડી દ્વારા સાવડા ગામે આયોજિત શિબિરમાં એડવોકેટ રમીલાબેન મકવાણાએ ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ અને ગર્ભપરીક્ષણ અટકાવવા અંગેના કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.