સમગ્ર રાજ્યમાં 1લી ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મહિલા આઈ.ટી.આઈ, 60 ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે "મહિલા સ્વાવલંબન દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. "મહિલા સ્વાવલંબન દિવસ" નિમિત્તે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.રોજગાર મેળામાં જિલ્લા રોજગાર અધિકારી મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજરોજ નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ માટે ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાની 7 કંપનીઓ 70થી વધારે જગ્યાઓ લઈને આવી છે. ઓનલાઇન ગુગલ ફોર્મના માધ્યમથી 150થી વધારે બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને આજે સ્થળ ઉપર 110 જેટલી બહેનો ઉપસ્થિત છે. જુદી-જુદી જગ્યાઓ માટે આ બહેનોને આજે રોજગારી મળશે. અહિયાં કંપનીના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે. આ રોજગાર મેળામાં સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.1થી 7 ઓગસ્ટ સુધી અલગ અલગ થીમ આધારિત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જિલ્લા રોજગાર કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળામાં જિલ્લાની 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓ રોજગારી મેળવીને આર્થિક રીતે સક્ષમ થાય એ માટે સરકાર તરફથી આવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે.આ રોજગાર મેળામાં રોજગાર વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારો હાજર રહ્યા હતા.