છોટાઉદેપુર જિલ્લાની જનતાને પડતી હાલાકીને લઇ શીથોલ અને મોટીરાસલી ગામ વચ્ચે ભારજ નદીનો પટ સાંકળો અને ટૂંકો હોય ત્યાં ડાઈવરજન બનાવવાની ધારાસભ્યની રજૂઆત

           છોટાઉદેપુર જિલ્લાનો જીવા દોરી સમાન નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર ભારજ નદી પરનો પુલ બેસી જતા છોટાઉદેપુર જિલ્લાની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સ્થળ મુલાકાત લઈ સિથોલ અને મોટીરાસલી ગામ વચ્ચે ભારજ નદીનો પટ સાંકડો અને ટૂંકો હોય ત્યાં ડાઈવરજન બનાવવાની માંગ સાથે કલેકટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. 

           છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાંથી નેશનલ હાઈવે નં. ૫૬ પસાર થાય છે. આ રસ્તા ઉપર બોડેલી– છોટાઉદેપુરની વચ્ચે પાવીજેતપુર પાસે સિહોદ પાસે ભારજ નદી ઉપર મોટો બ્રીજ બનાવવામાં આવેલો છે. તાજેતરમાં ભારે વરસાદ થવાથી આ નદી ઉપરનો પાવીજેતપુર તરફનો બ્રીજનો ભાગ જમીનમાં ઉતરી ગયો છે. આ રસ્તો નાના- મોટા વાહનો તેમજ નાગરીકોની અવર-જવર માટે બંધ કરવામાં આવેલો છે. આ રસ્તો બંધ થવાથી સિહોદ, શિથોલ, લોઢણ, ઠલકી, કોલીયારી, વાઘવા, વાંકી, ઉચાપાણ, ઘાઘરપુરા, ફાટા, નાનાકાંટવા, મોટાકાંટવા, ભાનપુર, ભાનપુરી, શિવજીપુરા, લીંબાણી, જેસીંગપુરા, ઝાબ, વાલોઠી, બામરોલી, મુઢીયારી, કથોલા, ફતેપુર, ગોગડીયા, ડભેરાઈ, સેગવાસીમળી, નાનીબુમડી, મોટીબમડી, સુસ્કાલ, કુકણા, પ્રતાનગર વિગેરે ગામોના વિધાર્થીઓ સરકારી અને ખાનગી શાળામાં કોલેજોમાં શિક્ષણ મેળવવા માટે પાવીજેતપુર આવે છે. તેમજ આ ગામડાના લોકોનો સીધો વ્યવહાર પાવીજેતપુર સાથે જોડાયેલો છે. જેથી ખેડૂતોને અને અભ્યાસ કરતા બાળકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ શિથોલ અને મોટીરાસલી ગામ વચ્ચે ભારજ નદીના પટની રૂબરૂ મુલાકાત લીધી હોય, જે પટ સાંકડો અને ટુંકો છે. રેતીની લોઝો માટે બનાવેલો રસ્તો પણ હયાત છે. તેમાં પાઈપો નાખીને રસ્તો બનાવી શકાય અને ચાલુ કરી શકાય તેમ છે. જેથી છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સુચીત ગામોના વિધાર્થીઓ અને લોકોને અંશતઃ રાહત થાય તેમ છે. તો આ રસ્તો યુધ્ધના ધોરણે તાત્કાલીક સત્વરે બનાવડાવી ચાલુ કરવા માટે જરૂરી આદેશ કરવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે.