સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો ત્યારે તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેમની સ્મૃત્તિના પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી ઉગ્યો હતો. 

               આ વડને ચોથું પાન આવે એટલે તરત જ એક પાન ખરી જાય છે. આમ, વડના પાનની સંખ્યા ત્રણ જ રહે છે. અશ્વિની અને કુમાર બંને કર્ણના ભાઈ અને તાપી કર્ણની બહેન છે. અશ્વિની અને કુમારે આ ભૂમિ પર તપ કર્યું હતું. એટલે તાપી કાંઠાનો આ વિસ્તાર અશ્વિનીકુમાર તરીકે ઓળખાય છે. 

              સૂર્યપુત્ર કર્ણની અંતિમવિધિ અશ્વિનીકુમાર સ્થિત તાપી કિનારે આ જ સ્થળે કરવામાં આવી હતી. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ‘આપણને ખબર છે કે અહીં કર્ણની અંતિમ ક્રિયા થઈ, પરંતુ આવનાર યુગને આ વાતની ખબર કેવી રીતે પડશે?’ ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, ‘અહીં ત્રણ પાનનો વડ ઉગશે. જેના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે.’ તાપી પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. આજે પણ ત્રણ પાનનો વડ અહીં ઊભેલો છે, જેને દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.