શિક્ષકની વિદાયમાં ભાવુક થયું આખું ગામ.... કચ્છના ભૂજ તાલુકાના મિસરીયાડા શાળાનો પ્રસંગ...શિક્ષકની જિલ્લા ફેરબદલી થતાં "ભાવુક" વિદાય.....આમ તો આપણે અવારનવાર સમાચાર માધ્યમોમાં જોયું હશે કે શિક્ષકની બદલી કે વયનિવૃત્ત થાય ત્યારે વિદાય વખતે વિદ્યાર્થીઓ ગુરૂજનથી વિખૂટા પડવાની એ ક્ષણને સહજભાવે સહી નથી શકતા અને હર્ષના આંસુઓમાં લાગણીઓ છલકાઈ જાય છે. પણ અહીં વાત છે કચ્છના બન્ની વિસ્તારની મિસરીયાડા પ્રાથમિક શાળાની કે જ્યાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ જ નહીં પણ આખું ગામ ભાવુક થયું અને ભીની આંખે વિદાય આપી હતી. આમ તો આ ગામમાં સિંધી અને મલેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે કે જ્યાં સામાન્ય રીતે ભાષા અને બોલીનો પ્રશ્ન રહેતો હોય છે. પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી શાળામાં બાળકોને શિક્ષણની સાથે ગ્રામજનોના સુખદુઃખના સહયોગી બનેલા "માસ્તર" મૂળ બનાસકાંઠાના ભાભર તાલુકાના ઊંડાઈ ગામના શિક્ષક પ્રહલાદભાઈ સુથારની જિલ્લા ફેર બદલી થતાં આગળની સફર માટે વિદાય સમારંભ યોજ્યો હતો. જ્યાં વડીલોના આશીર્વાદ અને બાળકોનું વ્હાલપના દ્રશ્યોએ સૌને ભાવવિભોર કર્યા હતા. એક શિક્ષક તરીકે તેમના કાર્ય સ્થળે મળેલા કચ્છી માડુઓના પ્રેમને જોઈ પ્રહલાદભાઈ પણ તેમના અશ્રુઓ રોકી શક્યા નહોતા.આ એટલાં માટે અહીં વાચક મિત્રો સમક્ષ વર્ણવી રહ્યાં છીએ કે એક સમય હતો કે જ્યારે ભૌગોલિક દ્વષ્ટિએ અંતરિયાળ ગણાતાં કચ્છ જિલ્લામાં શિક્ષકની નોકરી સ્વીકારવા કોઈ તૈયાર નહોતું એવા સંજોગોમાં નિમણૂક લીધા બાદ પ્રાથમિક શિક્ષકો પોતપોતાના જિલ્લામાં બદલી કરાવી લેતા હતા, જેથી જિલ્લામાં શિક્ષકોના અભાવે પ્રાથમિક શિક્ષણની સ્થિતિ બગડી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઇ અને નિયમો ઘડાયા. પરંતુ આ બધા વચ્ચે પણ પ્રહલાદભાઈ સુથાર જેવા શિક્ષકોએ નોકરી સ્વીકારીને કચ્છી માડુઓનો અઢળક પ્રેમ અને વિશ્વાસ મેળવ્યો છે.આજે કચ્છમાં શિક્ષણની સ્થિતિ સુધરી રહી છે.....