પાલનપુરના અંબિકા નગર વિસ્તારમાં આવેલા બંધ મકાનની ગ્રીલ તોડી શખ્સો અંદર ઉતર્યા હતા. જે દરમિયાન જે રૂમની ગ્રીલ તોડી હતી તેમાં પડેલ ગાદલા પલંગ સહિતનો સરસામાન સળગી ગયો હતો. જેનો ધુમાડો શુક્રવારે વહેલી સવારે બહાર નીકળતો દેખાતા લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. જ્યાં પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
પાલનપુર અંબિકા નગરમાં રહેતા સુરેશભાઈ બાબુલાલ શાહ ધંધાર્થે સુરતમાં સ્થાયી થયેલા છે. જેમના જૈન દેરાસરની સામે આવેલા બંધ મકાનની બારીની ગ્રીલ કાપી અજાણ્યા શખ્સો ગુરુવારે રાત્રે મકાનમાં ઉતર્યા હતા.અને ઉપરના રૂમમાં સામાન વેરણ છેરણ કરી ફરાર થઈ ગયા હતા.
દરમિયાન શુકવારે વહેલી સવારે મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોવામાં આવતા આજુબાજુના રહીશો ત્યાં દોડી આવ્યા હતા. જેની જાણ કરતાં પૂર્વ પોલીસ મથકની ટીમ તેમજ પાલિકા ફાયર ફાઈટરનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જે રૂમની ગ્રીલ તોડવામાં આવી હતી. તે રૂમમાં લાગેલી આગમાં ગાદલા પલંગ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પાલનપુરમાં બંધ મકાનમાં તસ્કરો ઉતર્યા પછી આગ લાગવાની ઘટનાનું રહસ્ય ઘેરાયું છે. આ અંગે ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તસ્કરો એક રૂમમાં ગાદલા સહિતનો સરસામાન એકત્ર કરી તેમાં આગ ચાંપીને નાસી છૂટ્યા હોઈ શકે. જ્યારે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં બારીની ગ્રીલ ગેસ કટરથી કાપતી વખતે તણખો પલંગના ગાદલા ઉપર પડ્યો હોય અને ધીમે ધીમે ગાદલું સળગ્યા પછી સરસમાન પણ આગની ઝપેટમાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે સાચી હકીકત તો તપાસ પછી જ બહાર આવશે.
મકાનમાં ચોરી અને આગની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં બારી નજીકથી નકલી દાગીના પણ મળી આવ્યા હતા. મકાન માલિક સુરેશભાઈ શાહને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેવો પાલનપુર આવ્યા બાદ જ મકાનમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે જાણી શકાશે.