લ્યો બોલો બનાસ નદીમાં પાણી આવતા રેતીની લીઝ બંધ કરાઇ છે. ત્યારે હવે ડમ્પર ચાલકે રેતીને બદલે ગાડીમાં દારૂની હેરાફેરી શરૂ કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એલસીબીની ટીમે ડીસાના મહાદેવીયા પાસેથી દારૂ ભરેલા ડમ્પર સહિત 21.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂની પ્રવૃત્તિ નાબૂદ થાય તે માટે જિલ્લાની પોલીસને અમલવારી માટે સૂચના આપેલી છે. જે અંતર્ગત મોડી રાત્રે જિલ્લા એલસીબીની ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મહાદેવીયા પાસે દારૂ ભરેલી ટ્રક આવી રહી હોવાની ખાનગી રાહે માહિતી મળી હતી. જેથી એલસીબીની ટીમે મહાદેવીયા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ડમ્પરને ઉભું રખાવી તલાસી લેતા તેમાંથી સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં દારૂની બોટલો મળી આવી હતી.

એલસીબી પોલીસે ટ્રક ચાલક કાનસિંગ સાબલસિંગ સોઢાની અટકાયત કરી હતી. ત્યારે ડમ્પરમાંથી મળી આવેલા દારૂ અને બિયરની 734 બોટલ અને ટ્રક સહિત કુલ 21.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક અને દારૂ મોકલનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.