દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાતા ડીસા તાલુકાના ભડથ ગામનો યુવક પણ નદીમાં ડૂબી જવા પામ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમજ જિલ્લાના સ્થાનિક તરવૈયાની ટીમ કામે લાગી હોવા છતાં 48 કલાક બાદ પણ તેનો પત્તો ન લાગતા હવે શોધખોળ કામગીરી બંધ કરવામાં આવી છે.
દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાતા તંત્ર દ્વારા લોકોને નદીમાં ન જવા એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં અનેક યુવકો નદી પાણીમાં નાહવાનો પોતાનો હરખ રોકી ન શકતા નદીના પાણીમાં નાહવા પડે છે અને તરતા ન આવડતું હોય તો ડૂબી રહ્યા છે. જેમાં ડીસા તાલુકાના ભડથ ગામનો પ્રવિણસિંહ મદારસિંહ વાઘેલા ઉંમર વર્ષ 40 નામનો યુવક ગુરુવારે સાંજના સુમારે નદીમાં નાહવા પડ્યો હતો. જે નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો. જે અંગે તંત્રને જાણ કરતા ડીસા ડીવાયએસપી, મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઉપરાંત જિલ્લાના સ્થાનિક તરવૈયાઓને બોલાવતા ભારે શોધખોળ ધરી હતી.
જોકે, 48 કલાક બાદ પણ તેનો અત્તોપત્તો લાગતા તેમજ નદીમાંથી વધુ પાણી છોડવામાં આવતા તેની લાશ રેતીના ઢુંવામાં દટાઈ જશે અથવા આગળ તણાઈને ગઈ હશે તેવા આનુમાનથી શોધખોળ સ્થગિત કરવામાં આવી હતી. 48 કલાક બાદ પણ પ્રવિનસિંહની લાશ ન મળતા કે તેનો અત્તોપત્તો ન મળવાથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.