પાવીજેતપુરમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડતા પાવીના ગરનાળા નીચે પાણી ભરાતા હાઇવે નંબર ૫૬ બંધ કરવો પડ્યો 

પાવીજેતપુર નગરમાં ધમાકેદાર મેઘાની પધરામણી થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 

        પાવી જેતપુર તાલુકામાં સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધીમાં ૭ ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ પાવી ગામે રેલ્વે લાઈન નીચે બનાવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા નેશનલ હાઇવે નંબર ૫૬ ને બંધ કરવો પડ્યો હતો.

           પાવીજેતપુરમાં વહેલી સવારથી જ પવનના સુસ્વાટા સાથે મેઘાની પધરામણી થઈ જતા સવારે ૬ થી ૧૨ વાગતાં સુધીમાં ૧૭૫ એમ.એમ. એટલે કે ૭ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાવીજેતપુર ખત્રી ફળિયા પાછળ આવેલ ગરનાળામાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. તેવી જ રીતે પાવી ગરનાળામાં પાણી ભરાઈ જતા બે બસો ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ જતા. કલાકો સુધી નેશનલ હાઇવે નંબર ૫૬ ને બંધ કરી દેવો પડ્યો હતો. વસવા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી જતા વસવા નદી ઉપર બનાવેલ પુલની સંરક્ષણ દીવાલો ધોવાઈ જતા પુલ ઉપરથી પસાર થતા ભારદારી વાહનોને અટકાવવામાં આવ્યા હતા. વરસાદ બંધ થતા, પાણી ઓછું થતા ફરીથી રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો. પાવીજેતપુર થી રતનપુર વચ્ચે આવતા નાળા ઉપરથી પાણીનો પ્રવાહ વધુ વહેતો હોવાથી એ રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો જે પાણીનો પ્રવાહ ઓછો થતાં પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો.

          પાવીજેતપુર નગરના નીચાણવાળા વિસ્તારો એવા બેડા ફળિયામાં, હરીજન વાસમાં, નાની બજારમાં ગરબડદાસ ચાલી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા.

            આમ, પાવીજેતપુર પંથકમાં આગળનો ૫૧૨ એમ.એમ. તેમજ બપોરે ૧૨ વાગ્યા સુધી ૧૭૫ એમ.એમ. મળી કુલ ૬૮૭ એમ એમ વરસાદ નોંધાવા પામ્યો છે. સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધી મેઘ તાંડવ ચાલતા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદ વધુ હોવાના કારણે અંબાડી ગામના ચાર કુટુંબોના ૧૫ જેટલા સભ્યોને તેમજ ૧૦ જેટલા પશુઓને વધુ પાણી આવી જાય તો નુકસાન ન થાય તે આશયથી સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.