મુળી તાલુકાના કળમાદ અને રામપરડા ગામે વાડીમાં ચોરી કરેલા ટી.સી.થી ગેરકાયદે વીજ કનેકશનો લઈને વીજચોરી કરનારા છ શખ્સો સામે પશ્ચિમ ગુજરાત વીજકંપનીના નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.નાયબ ઈજનેર એચ.એલ.ઝાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.3 જાન્યુઆરી 2023ના રોજ કોર્પોરેટ આઈ.સી. ચેકીંગ ડ્રાઈવ દરમિયાન કળમાદ ગામની સીમમાં આવેલી બહાદુરભાઈ જેરામભાઈ કરપડાની વાડીમાં, સંદીપગીરી ઉમેદગીરી ગોસ્વામીની વાડીમાં, તથા શાર્દુલભાઈ મેરામભાઈ કરપડાની વાડીમાં ચેકીંગ હાથ ધરાતા ચોરી કરેલા પ્રાઈવેટ ટી.સી. મુકીને વીજચોરી થતી હોવાનું માલુમ પડતા ત્રણેય શખ્સોને વીજ ચોરી બદલ અનુક્રમે રૂા.2,01,853, રૂા. 1,39,364 તથા રૂા.42,327 પૈસાની નોટીસો ફટકારવામાં આવતા ત્રણેય ઈસમોએ વિજ બીલ ભરી દીધા હતા. આ ત્રણેય સામે રૂા.85,000ની કિંમતના ચોરીના ત્રણ ટી.સી. ખેતરમાં રાખવા બદલ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.એ જ રીતે તા.3 ફેબુ્રઆરી 2023ના રોજ પ.ગુ.વીજકંપની દ્વારા હાથ ધરાયેલી કોર્પોરેટ આઈ.સી. ચેકીંગ દરમ્યાન રામપરડા (તા.મુળી)ની સીમમાં આવેલી આલુકભાઈ અમકુભાઈ બોરીચા, સુરેશભાઈ શાંતુભાઈ બોરીચા તથા નાગભાઈ કરપડાની વાડીમાં ચોરી કરીને લાવેલા ખાનગી ટ્રાન્સફોર્મરથી અનઅધિકૃત વીજજોડાણો લઈને વીજોચોરી થતી હોવાનું માલુમ પડતા ત્રણેય શખ્સોને અનુક્રમે રૂા.6,26,048, રૂા.6,45,781 તથા રૂા.46,936 ની નોટીસો આપવામાં આવી હતી. આ નોટીસ દંડના નાણા ત્રણેયે આજ સુધી ભરેલા નથી.મુળી પ.ગુ. વીજકંપનીના નાયબ ઈજનેર એચ.એલ. ઝાલાએ ત્રણેય સામે મુળી પોલીસમાં રૂા.90,000ની કિંમતના ચોરીના ટી.સી. રાખવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.