હળવદ તાલુકાના રણજીતગઢ ગામે પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી લોકશાહી ઢબે યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોમાંથી 4 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થિનીઓએ ઉમેદવારી નોંધાવી હતી. લોકશાહીમાં જેવી રીતે EVM મશીનથી ચૂંટણી થાય છે. તેવી જ રીતે મોબાઈલ એપની મદદથી સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ગુપ્ત રીતે મતદાન કરી શકે તેના માટે મતકુટિર બનાવાઈ હતી અને બાળકોમાંથી જ પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તેમજ પટ્ટાવાળાની જવાબદારી સોંપી વોટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 5 થી 8ના કુલ 94 બાળકોએ ડિજિટલ એપ્લિકેશનની મદદથી પોતાનો કિંમતી મત આપી ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે તમામ ઉમેદવારની હાજરીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમાં સૌથી વધુ મત ધોરણ 7માં ભણતા સોનગરા ખુશ રાજેશભાઇને મળેલ જેની શાળાના મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ ચૂંટાયેલા ઉમેદવારોમાંથી દરેકને જુદી જુદી સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચૂંટણીની પ્રક્રિયાથી વાકેફ થાય અને તેમનામાં નેતૃત્વના ગુણો ખીલે તે હેતુથી શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગેની માહિતી શાળાના શિક્ષક પી.ટી.કણઝરીયા, જી.સી.વિડજા અને એ.બી.લો દ્વારા પુરી પાડવામાં આવી હતી. તો સાથે જ શાળાના આચાર્ય એમ.પી.કણઝરીયા દ્વારા ચૂંટાયેલા તમામ ઉમેદવારો અને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.