પાવીજેતપુર તાલુકાની કરાલી પોલીસે ઇકો ગાડીના ગેસના બોટલમાં ચોરખાનું બનાવી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયા ને પકડી પાડયો
પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામેથી ઇકો કારના ગેસના બોટલમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરફેર કરતા એક ખેપિયાને ૨૭,૮૭૬/- ના વિદેશી દારૂ સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે જ સમયે અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકો ગાડીમાં ગેસના બોટલની અંદર ચોરખાનું બનાવીને ઇંગ્લિશ દારૂ ભરીને પાનવડ ગામેથી બોડેલી તરફ જનાર છે. ચોક્કસ મળેલી બાતમીના આધારે ઝાબ ગામે બસ સ્ટેન્ડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. થોડીક વારમાં જ ઇકો કાર દેખાતા ગાડીને રોકવાનો ઇશારો કરતા ગાડી અટકાવી હતી. ઇકો કારની તપાસ કરતા ગાડીની પાછળના ભાગે આવેલ ગેસના બોટલની અંદર ચોરખાનું બનાવેલ હતું. જેની અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો કુલ ૨૦૪ નંગ જેની કિંમત રૂપિયા ૨૭,૮૭૬/- નો મુદ્દા માલ મળી આવ્યો હતો. તેમજ ખેપિયાનું નામ પૂછતા તેને પોતાનું નામ નટુભાઈ મલુભાઈ રાઠવા ( મૂળ રહે. ભુમસવાડા,તા. કવાંટ જી. છોટાઉદેપુર, તેમજ હાલ વડોદરા કપુરાઈ પાસે રહે છે ) જણાવ્યું હતું.
આમ, ૨૭,૮૭૬/- નો વિદેશી દારૂ, અંગઝડતી માંથી મળેલ એક મોબાઈલ તેમજ દારૂની હેરફેરમાં વપરાયેલ ગાડી ની કિંમત પાંચ લાખ મળી કુલ ૫,૨૮,૮૭૬/- ના મુદ્દામાલ સાથે નટુભાઈ મલુભાઈ રાઠવા ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાલી પોલીસે હાથ ધરી છે.