તિરંગા યાત્રા વડોદરા મહાનગર

****************

તિરંગાના ગૌરવગાન સાથે મુખ્યમંત્રીશ્રીની પદયાત્રાથી દેશભક્તિના રંગે રંગાઇ સંસ્કારી નગરી વડોદરા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકોને દેશ માટે સમર્પિત થવાનો જુસ્સો કાયમી રાખવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યું છે, ત્યારે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી દેશને વિકાસના ઉચ્ચત્તમ શીખરો સુધી લઇ જવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.

તેમણે ઉમેર્યું કે, હવે દેશ માટે જીવવાનું છે. દેશ માટે સારી રીતે જીવી શકાય તે માટેનો અમૃતકાળ ચાલી રહ્યો છે. દેશને આઝાદી અપાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. હવે આ કાળમાં દેશ માટે કશું કરી જીવવાનો અવસર છે.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી વિરાટ તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં અહીંના પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી તેઓ પણ સાથે આ પદયાત્રામાં સામેલ થયા હતા.

સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાંતીય વિશેષતાઓને આધારે આપણા દેશમાં અનેક પ્રકારના તહેવારો જુદીજુદી રીતે મનાવવામાં આવે છે. પણ, આ રાષ્ટ્રીય પર્વ કોઇ પણ નાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના બંધનો વીના માત્ર દેશપ્રેમ સાથે તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આહ્વાન કર્યું છે. ગુજરાત આ આહ્વાનને ઝીલીને અદ્દભૂત ઉત્સાહ દર્શાવી રહ્યું છે. નાગરિકોમાં આ અભિયાન પ્રત્યે ખૂબ જ હોંશ જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઇના પ્રત્યેક આહ્વાનને તમામ ગુજરાતીઓ સારી રીતે ઝીલી લે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સંસ્કારી નગરી વડોદરામાં તિરંગા યાત્રા પ્રત્યે શહેરીજનોના ઉત્સાહને જોતા આઝાદી બાદના તુરંતના ઉત્સાહ જેવી અનુભૂતિ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સૌ શહીદોને નમન કરતા દેશની એકતા અને અખંડિતતાને જાગૃત કરવા શ્રીનગરના લાલ ચોકથી કેરળ સુધી દેશની ચારેય દિશામાં કરોડો ઘરોમાં તિરંગો લહેરવા અપીલ કરી તેને અદમ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

હર ઘર તિરંગા અભિયાન શહીદોને સલામી આપવાનો કાર્યક્રમ છે, તેવી લાગણી વ્યક્ત સંઘવીએ ઉમેર્યું કે, આપણો તિરંગાની શાન માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ લહેરાઇ રહી છે. વિદેશની ધરતી ઉપર તાજેતરમાં થયેલા યુદ્ધમાં ફસાયેલા બીજા દેશના છાત્ર તિરંગો લહેરાવતા સલામત બચી ગયો હોવાની ઘટના આપણી નજર સમક્ષ છે, આ વાત તિરંગાનું ગૌરવગાન કરે છે.

નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇ તેવું આહ્વાન તેમણે અંતે કર્યું હતું.

મુખ્યમંત્રી અને મહાનુભાવો પોલોગ્રાઉન્ડથી સૂરસાગર તળાવ સુધી તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં નાગરિકો હોંશેહોંશે સામેલ થયા હતા. કેટલાક છાત્રો સ્વાતંત્ર્ય સેનાનીના પરિવેશમાં આવ્યા તો કેટલીક યુવતીઓએ ભારત માતાનું રૂપ ધારણ કરી તેમાં સહભાગી થઇ હતી. આ યાત્રાનું ઠેરઠેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગના પ્લાટૂન, શી ટીમ, ઘોડે સવા૨ પોલીસ, વિવિધ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓ જેવી કે, એમ.એસ.યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, સુમનદિપ યુનિવર્સિટી, બાબરીયા યુનિવર્સિટી, નવ રચના યુનિવર્સિટી અને પાયોની૨ જેવી વિવિધ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યોના પ્રાંતીય સંગઠનો જેવા કે, કેરલા, ઓડીશા, પંજાબી, રાજસ્થાની અને બંગાળી વગેરેના સામાજિક સંગઠનોના લોકો પોતાની પ્રાંતીય વેશભૂષામાં સજ્જ થઈ, વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિ અને નાગરીકો તેમજ વિવિધ અસોસીએશનોના હોદ્દેદારો સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા નાગરિકો ઉપરાંત વાહનો સાથે દિવ્યાંગજનો પણ સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ૫૨ માર્ગની બન્ને તરફ તિરંગા ઝંડાથી સુશોભન કરવામાં આવ્યા હતા. તેમજ રૂટ ૫૨ ઠેર ઠે૨ યાત્રાના સ્વાગત માટે વિવિધ નૃત્ય મંડળીઓ, અને વિવિધ ડીજેની વિવિધ ટીમો  જોડાઇ હતી. આ પ્રસંગે મેયર  કેયુરભાઇ રોકડિયા, ધારાસભ્ય સર્વ  યોગેશભાઇ પટેલ, શ્રીમતી સીમાબેન મોહિલે,  જીતુભાઇ સુખડિયા, નાયબ મેયર સુશ્રી નંદાબેન જોશી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્રભાઇ પટેલ, અગ્રણી ભાર્ગવભાઇ ભટ્ટ અને ડો. વિજયભાઇ શાહ, પૂર્વ વિધાયકો, પૂર્વ મેયરો, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર શમશેર સિંઘ, કલેક્ટર અતુલ ગોર સહિત વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.