બુધવારની રાત અમદાવાદ માટે કાળી સાબિત થઇ હતી. ઇસ્કોન બ્રિજ પર થયેલા ડમ્પર અને થાર ગાડીના અકસ્માતને જોવા ઊભેલા લોકોને 160ની સ્પીડે આવતી જેગુઆર કારે અડફેટે લેતાં નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના બે મિત્રો, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારનાં મોત થયાં છે. ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારના મૃતદેહને વતન ચુડામાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચડ્યું હતું. જ્યારે રોનકની ચુડા તાલુકાના ચાચકા ગામેથી અંતિમ યાત્રા નીકળી હતી. અમન અને અરમાનના મૃતદેહોને પણ સુરેન્દ્રનગર તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે, તો અનેક ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા ટ્રાફિક-પોલીસના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી છે. બે મિત્રો અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો ચોથો મૃતક રોનક રાજેશભાઇ વિઠ્ઠલપરા પણ મૂળ ચુડા તાલુકાના ચાચકા ગામનો છે. આમ, આ ગોઝારા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચાર લોકોનાં મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.અમદાવાદ ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી હતા, જેમના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં પરિવારજનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતિમયાત્રામાં આખુ ગામ હીબકે ચડ્યું હતું. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગતરાત્રિએ સર્જાયેલા અકસ્માતમાં સુરેન્દ્રનગરના બે જિગરજાન મિત્રો અરમાન વઢવાણીયા અને અમન કચ્છીના પણ મોત નિપજ્યા હતા. આજે બંને મિત્રોના મૃતદેહ સુરેન્દ્રનગર લાવવામાં આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. પરિવારજનો અને તેમના મિત્ર સંબંધીઓ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અમન કચ્છીના પિતાની સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરમાં સનફ્લાવર નામની સ્કૂલ આવેલી છે. તેમના મિત્રનો પુત્ર અરમાન થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવ્યો હતો. અમન અને અરમાન બુધવારે મોડી રાત્રે તેના મિત્ર સાથે ગયા હતા. એસજી હાઇવે પરથી કર્ણાવતી ક્લબ તરફથી તેઓ ઇસ્કોન બ્રિજ ચડી અને આવતા હતા. તે દરમિયાનમાં ડમ્પર અને થાર ગાડી વચ્ચે તેઓએ અકસ્માત જોયો હતો જેથી તેના મિત્રએ ગાડી ઉભી રાખી હતી. મિત્રની ગાડીમાંથી અરમાન અને અમન બંને નીચે ઉતર્યા હતા અને તેઓ રોડ ક્રોસ કરી સામે જે થાર ગાડીનો અકસ્માત થયો હતો તે તરફ ગયા હતા. જે મિત્રની કારમાં તેઓ આવ્યા હતા તે ઘટના સ્થળ સુધી પહોંચે તેની પહેલા જ જગુઆર કાર ઝડપે આવી હતી અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અમન અને અરમાન બંને તે મિત્રની સામે જ મૃત્યુ પામ્યા હતા. મિત્રની નજરની સામે જ બે મિત્રો મોતને ભેટતા પોતે પણ ડઘાઈ ગયો હતો.અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બોટાદ ખાતે રહેલા રોનક વિહલપરાનું પણ મોત નિપજ્યું હતું. રોનકનું મૂળ વતન ચુડા તાલુકાનું ચાચકા ગામ હોય આજે તેના મૃતદેહનો ચાચકા ગામે લાવવામાં આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. રોનકની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું અને હિબકે ચડ્યું હતું.