અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતા. જેઓને પણ ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર ચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અસારવા ખસેડવામાં આવ્યા છે. જેમના નામ મિજાન શેખ,નારણ ગુર્જર છે. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.

મૃતકોના નામ

નિરવ - ચાંદલોડિયા

અક્ષય ચાવડા - બોટાદ

રોનક વિહલપરા - બોટાદ

ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)

કૃણાલ કોડિયા - બોટાદ

અમન કચ્છી -સુરેન્દ્રનગર

અરમાન વઢવાનિયા - સુરેન્દ્રનગર