કડીમાં દિવસેને દિવસે મોબાઈલ ચોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. કડી શહેરના વિવિધ રોડ-રસ્તા ઉપર રાત્રિ દરમિયાન નોકરીયાતો અને રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી તસ્કરો ફરાર થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. મોબાઈલ ચોરોના તરખાટની વચ્ચે કડી પોલીસે કરણનગર રોડ ઉપરથી ચોરીના મોબાઈલ વેચવા જઈ રહેલા ચાર લવર મુછીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

કડી શહેર તેમજ તાલુકાની અંદર મોબાઈલ ચોરીના બનાવોમાં વધારો થતા મહેસાણા SPએ ગુનાહિત અને મિલકત સંબંધી ગુનાઓને ડામવા કડી પોલીસ સ્ટેશનના PI એન. આર. પટેલને સુચના આપી હતી. જે સૂચના અંતર્ગત કડી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના PSI આર. કે. પાટીલ, પરેશભાઈ, મહેશજી અને પ્રેમકુમાર સહિતનો સ્ટાફ કડી શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે કડીના કરણનગર રોડ ઉપર કેટલાક ઇસમો ચોરીના મોબાઈલ વેચવા સારું ફરી રહ્યા છે.

કડી પોલીસને માહિતી મળી હતી કે કરણનગર રોડ ઉપર આવેલ ગુલમોહર સોસાયટીની આજુબાજુ બાઈક લઈને કેટલાક ઇસમો ચોરીના મોબાઈલ વેચાણ સારું ફરી રહ્યા છે. જે અંતર્ગત બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને સ્થળ વાળી જગ્યા ઉપર પહોંચ્યા હતા અને ચોરીના મોબાઈલ વેચાણ સારું ફરતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દંતાણી સંજય મુસ્તાકભાઈ રહે જુના સરકારી દવાખાના પાસે કડી, ઠાકોર વિરાટ મોઘજીભાઈ રહે રાતેજ જોટાણા, દંતાણી લાભુ રામાભાઇ રહે કરણનગર કડી, દંતાણી રાકેશ અમૃતભાઈ રહે બુડાસણ કડીને ઝડપી પાડી 8 ચોરીના મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે ચોરીના મોબાઈલ અને બાઈક એમ કુલ કિંમત રૂપિયા 87,500નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.