ડીસા-થરાદ હાઇવે પર આવેલ ગોઢા ફાટક પાસે આજે વહેલી સવારે એક ટ્રક ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટરે ખાડા ખોદયા બાદ કોઈ જ બેરીકેટ કે સૂચક બોર્ડ ન મૂકી ગંભીર બેદરકારી દાખવતા ટ્રક ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો છે.

ડીસા થરાદ હાઇવે પર આવેલ ગોઢા ફાટક પાસે આજે વહેલી સવારે અકસ્માત સજાયો હતો. જેમાં એક ટ્રક ચંડીસર GIDCમાંથી માલ ભરીને થરાદ તરફ જઈ રહી હતી. તે સમયે ગોઢા ફાટક પાસે પહોંચી ત્યારે રોડની સાઈડમાં મોટા ખાડા ખોદેલા હતા. જોકે ખાડા પાસેથી પસાર થતાં અચાનક ટ્રક ખાડામાં ખાબાકી હતી. જોકે ટ્રક ચાલકની સમય સૂચકતાને કારણે તેને બ્રેક મારતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે ગોઢા ફાટકની આજુબાજુમાં રેલ્વે વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા મોટા ખાડા ખોદયા બાદ આજુબાજુમાં કોઈ જ બેરીકેટ કે સૂચક બોર્ડ ન મુકતા અહીં છેલ્લા એક અઠવાડિયામાં ચાર અકસ્માત સર્જાયા છે. અગાઉ ત્રણ જેટલા બાઇક સવારો પણ આ ખાડામાં પટકાયા હતા. ત્યારબાદ આજે વધુ એક ટ્રક ખાડામાં આબકી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાની આજુબાજુમાં બેરીકેટ મુકવામાં આવે તેવી વાહનચાલકોની માગ છે.