દસાડા ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસે સરપંચ સહિતના પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં ડેડબોડીને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.દસાડા ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકી જેમાંથી સમગ્ર દસાડા ગામને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. એ ઓવરહેડ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લુ હોઇ કોઇ અજાણ્યો અસ્થિર મગજનો પરપ્રાંતિય યુવક એમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. જ્યારે દસાડા ગામના સરપંચ દ્વારા દસાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા દસાડા પોલીસના બીટ જમાદાર મનીષભાઈ અઘારા, જેંતિભાઇ લેંચીયા અને માવજીભાઇ સહિતનો દસાડા પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને ગામના આગેવાનો દ્વારા અસ્થિર મગજના અજાણ્યા યુવાનની લાશને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. આ ઘટના અંગે દસાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે દસાડા ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.