ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી એલસીબી પોલીસે વધુ બે અલગ અલગ જગ્યાએથી દારૂ ભરેલી બે કાર ઝડપી લઇ દારૂ સહિત રૂપિયા 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એક કારમાંથી પોલીસે બે બુટલેગરોને અટકાયત કરી છે. જ્યારે એક ચાલક કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટાપાયે દારૂની હેરાફેરી થતી હોવાથી બનાસકાંઠા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી એલસીબી પોલીસની અલગ અલગ ટીમો ડીસા ધાનેરા હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ડીસાના વિરોલથી વીરુના થઈ ભડથ તરફ દારૂ ભરેલી કાર જઈ રહી છે. જેથી પોલીસે વીરુના પાસે ગાડી આવતા ગાડી ઉભી રખાવાની કોશિશ કરતા ચાલક ગાડી ભગાડીને ભડથ તરફ ભાગી ગયો હતો.
જો કે, આગળ જતા ટાયર ફૂટી જતા રસ્તા ની બાજુમાં ઝાડ સાથે ગાડી અથડાઈ હતી અને ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરના ટીન નંગ 1260 કિંમત રૂપિયા 1.39 લાખનો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત દારૂનો જથ્થો જપ્ત કરી નાસી છૂટેલ કાંકરેજના ખારીયા ગામના આરોપી સિદ્ધરાજસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં ધાનેરા તરફથી દારૂ ભરીને ગાડી આવતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવતા એક સ્વીફ્ટ ગાડીને ઝડપી લીધી હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી 480 નંગ કિંમત રૂપિયા 57 હજારનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ગાડી ચાલક રેવદરસિંહ મફુસિંહ વાઘેલા તથા અરવિંદભાઈ શંકરલાલ વજીરની ધરપકડ કરી 3 લાખ રૂપિયાની કાર તેમજ 10,000 નો મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ એલસીબી પોલીસે ડીસામાંથી બે અલગ અલગ દારૂ ભરેલી કાર ઝડપી કુલ રૂપિયા 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.