કડી તાલુકાના સુરજ ગામે આવેલા હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીને સાપ કરડતા સમગ્ર સ્કૂલના વિદ્યાર્થીઓમાં ભય પ્રસરી ગયો હતો. વિદ્યાર્થી પાણી પીવા ગયોને પરબ પાસે નીચેથી સાપ કરડ્યો હતો. જ્યાં સાપ કરડતા અફરાતફરી મચી જવા પામી હતી.

જોટાણા તાલુકાના મોયણ ગામના ઝાલા રાજવીર સિંહ ગુરુવારે સુરજ ખાતે આવેલી એ.આર.પટેલ ઉમા શાળાની અંદર અભ્યાસ માટે આવ્યા હતા. જ્યાં સ્કૂલના પરિસરમાં આવેલી પરબના પાસે તેઓ પાણી પીવા ગયા અને નીચે સાપ કરડતા તેઓ બુમાબૂમ કરવા લાગ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા અને સ્કૂલનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થીને પ્રથમ સુરજ ખાતે આવેલી પીએસસીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો પણ સુરજ પીએસસી ખાતે આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અત્યારે હાલ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે આઇસીયુમાં સારવાર હેઠળ છે.