ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ તુફાન ગાડી બેફામ રીતે હંકારી એક રીક્ષા અને મોટરસાયકલને ટક્કર મારી માણસોને ઇજાઓ પહોંચાડવાના ગુનામાં તુફાન ગાડીના ચાલક ને ડીસાની ત્રીજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો મુજબ કુલ 25 માસની સજા ફટકારી હતી.

માર્ગો પર બીફામ રીતે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવાના કારણે વાહન અકસ્માતોના વધતા જતા બનાવવામાં અનેક નિર્દોષો મોતના મુખમાં ધકેલાય છે. ત્યારે ડીસાની કોર્ટે આવા બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે ચેતવણી રૂપ ચુકાદો આપ્યો છે. ડીસાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ હિંગળાજ ફ્લેટ સામે આઠેક વર્ષ અગાઉ પ્રકાશજી ઉર્ફે દાબડી લાલાજી ઠાકોરે પોતાની તુફાન ગાડી નંબર જીજે 5 ઝેડ 2194 પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસની જિંદગી જોખમાય તેમ હંકારી એક ઓટો રીક્ષા તેમજ મોટરસાયકલને ટક્કર મારી હતી. જેમાં ત્રણથી ચાર માણસોને ઇજા પહોંચી હતી. ટક્કર મારી ગાડી ચાલક પ્રકાશજી ગાડી મૂકીને ભાગી ગયો હતો.જે બાબતની ફરિયાદ ડીસા શહેર પોલીસ મથકે નોંધાઈ હતી.

જે અંગેનો કેસ ડીસાની ત્રીજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.એસ.મોઢે ધારદાર દલીલો કરી હતી.જે ધ્યાને લઈ મેજિસ્ટ્રેટ જગદીશ પ્રજાપતિએ આરોપી ગાડી ડ્રાઇવર પ્રકાશ ઉર્ફે દાબડી લાલાજી ઠાકોરને ભારતીય દંડ સંહિતા તેમજ મોટર વહિકલ એક્ટની અલગ અલગ કલમોમાં કુલ 25 માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે કોર્ટે ગાડી ચાલક પ્રકાશ ઠાકોરને રૂપિયા 4500 નો દંડ પણ ફટકાર્યો હતો.ડીસા કોર્ટે આપેલો આ ચુકાદો માર્ગો પર બેફામ વાહનો ચલાવી અકસ્માત સર્જનાર વાહન ચાલકો માટે ચેતવણી રૂપ હોઈ ચુકાદાની સમગ્ર કોર્ટમાં ચકચાર મચી જવા પામી હતી.