ડીસા તાલુકાના રોબસ જાવલ માર્ગ પર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઇ છે. ઘાડા ગામના રહેવાસી નિકુલસિંહ વાઘેલા પોતાની કાર લઈને રોબસ ગામથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તામાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને ફંગોળાઈ જઈ રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકો બનાવ સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર નીકળ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસે પણ અકસ્માત સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.