ડીસા તાલુકાના માલગઢ ગામે વાલ્મિકી પરિવારના સાત સભ્યોએ પાંચ દિવસ અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં અગાઉ બાળકના મોત બાદ આજે પિતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા અને ગામમાં સારા નરસા પ્રસંગે ઢોલ વગાડીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરતા નગુભાઈ વાલ્મિકીની પત્નીનું એકાદ માસ અગાઉ બીમારીથી મોત થયું હતું. પત્નીના મોત બાદ નગુભાઈની માનસિક સ્થિતિ બગડી જવા પામી હતી.
તેમજ પાંચ સંતાનો અને માતા સહિત સાત સભ્યોની ભરણપોષણની જવાબદારીથી કંટાળી નગુભાઈએ પાંચ દિવસ અગાઉ પોતાની માતા અને પાંચે સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ઝેરી દવાની અસર થતા તમામ સભ્યોને પ્રથમ ડીસા અને ત્યારબાદ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા.
જેમાં એક દિવસ અગાઉ નગુભાઈના એક વર્ષના પુત્ર સાગર વાલ્મિકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે નગુભાઈની તબિયત પણ ગંભીર હોવાથી આજે તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. આમ સાત સભ્યોના પરિવારમાંથી પુત્રના મોત બાદ પિતાનું મોત થતાં પરિવારનો મુખ્ય આધાર સ્તંભ ભાંગી પડ્યો છે. હવે પરિવારમાં ચાર બાળકો અને દાદીમાં છે. જે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવથી સમગ્ર માલગઢ ગામમાં તેમજ વાલ્મિકી સમાજમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.