મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે આજે વહેલી સવારે તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં સ્થાનિક લોકોએ તેલની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પરિવાર સહિત ટેમ્પો-રિક્ષામાં બેસી દોડી આવ્યા હતા. ઘરેથી ડબા-કેરબા લઈ 5 કલાક સુધી લોકો સ્થળ પર તેલ એકત્રિત કરતા રહ્યા હતા તેમજ સમગ્ર ઘટનામાં ડ્રાઇવર અને કંડકટરને ઇજાઓ પહોંચી હતી.
ફતેપુરા સર્કલ પાસે સિંગતેલ ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી જતાં આસપાસનાં ગામોના લોકોને જાણ થતાં તેઓ ઘરમાં જે મળ્યું એ તેલ લેવા દોડ્યા હતા.મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો કેરબા, ડબા લઈ તેલ લેવા દોડી આવ્યા હતા. 30 ટન તેલ ઢોળાઈ જતાં કંપનીને પણ મોટું નુકસાન થયું હતું. સવારે 7 વાગ્યે બનેલી ઘટનાના પાંચ કલાક વીત્યા છતાં લોકો તેલ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.