કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કડી ક્રાઈમનું સીટી બનતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ કડી પંથકમાં ચોરી, મોબાઈલ ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટફાટ, ચીલ ઝડપ, હત્યા જેવા બનાવોમાં વધારો થતા અને ગુનેગારોને કાયદાનો કે પછી પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીમાં ક્રાઈમ ક્યારે થોભશે તે મોટો પ્રશ્ન હાલ જોવા મળી રહ્યો છે.
કડી તાલુકાના કણઝરી ગામનો યુવક થોળ ગામે ગેરેજની અંદર સાફ-સફાઈ કરી રહ્યો હતો અને તેઓની માલિકીની ગાડી ઝેન ગેરેજની બહાર જ પડી હતી. તે દરમિયાન બે બાઈક સવારો આવી પહોંચ્યા અને ગાડીમાં પડેલા 60000 તેમજ ડોક્યુમેન્ટ ભરેલો થેલો ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા બનાવમાં કડી તાલુકાના રણછોડપુરા ગામે રહેતા સંજયભાઈ કે જેઓ ખેતીવાડી તેમજ પશુપાલકનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેના ઘરની પાસે આવેલા વાડામાં તેઓ ભેંસો બાંધે છે. સંજયભાઈ પોતાના વાડામાં ગયા હતા અને ભેંસોને ચારોપૂરો ખવડાવી રહ્યા હતા. ત્યારે એક ભેંસ દેખાઈ ન હતી. જે બાદ તેઓને માલુમ થયું હતું કે અજાણા ઈસમો તેઓની ત્રણ વર્ષની રૂપિયા 50,000ની ભેંસ ચોરી ગયા છે. સંજયભાઈને પોતાની ભેંસ ચોરાઈ ગઈ હોવાનું માલુમ થતાં તેઓએ આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ પોતાની ભેસની કંઈ ભાળ ન મળતા તેઓ પરિવાર સાથે કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી ફરિયાદ નોંધાવી હતી.