કડી તાલુકાના ઉમાનગર ગામના સરપંચ પોતાના કામ સારું ગાડી લઈને જઈ રહ્યા હતા. નંદાસણ ચોકડી પાસે પહોંચતા નજીવી તકરાર બાદ સરપંચ ઉપર ગાડીમાં જ બે લોકોએ ખુની હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં સરપંચને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરપંચ ઉપર હુમલાના વાયુવેગે સમાચાર સાંભળતા અનેક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાને લઇ નંદાસણ પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા ઉમાનગર ગામના નરેન્દ્ર રમણભાઈ પટેલ જેઓ 2021થી સરપંચ તરીકેની ગામમાં સેવા આપી રહ્યા છે. પોતે શ્રીજી વોટર પ્લાન્ટનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓને ડાગરવા ગામે કામ હોવાથી તેવો અને તેમનો મિત્ર રાકેશ પટેલ બંને જણા પોતાની માલિકીની ગાડી લઈને પોતાના ધંધાર્થે નીકળ્યા હતા. નંદાસણ ચોકડી પાસે બ્રિજ નીચે આવેલી ઉમિયા મેડિકલ સામે પહોંચતા પાછળથી ગાડીને કંઈક મારતા હોય તેવો અવાજ આવ્યો હતો. ગાડી ઉભી રાખી હતી ગાડીનો કાચ ખોલતા નંદાસણનો સૈયદ સુફિયાન ઉર્ફે અબુ અને તેનો મિત્ર સિંધી યુનિશ આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, ગાડી જોઈને ચલાવો એમ કહી ગાળા ગાળી કરવા લાગ્યા હતા. જ્યાં નરેન્દ્ર પટેલે ગાળો બોલવાની ના પાડતા સુફીયાલ ઉર્ફે તેના કેડમાં રહેલી છરી નીકાળીને સરપંચ ઉપર ખુની હુમલો કર્યો હતો. જ્યાં તેઓને ખભાના ભાગે છરી વાગી હતી અને બંને ઈસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા.

નરેન્દ્ર પટેલને તેમના મિત્ર તેમની જ ગાડીમાં નંદાસણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓને વધુ ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ટાંકા આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરપંચ ઉપર હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યાં ઘટનાને લઇ અનેક આગેવાનો કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. ઘટનાને લઈને નંદાસણ PSI બી.વી. ઠક્કર સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.