સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના : પાવી જેતપુરના દારુણ ગરીબીમાં જીવતા ખેડૂત સ્વમાનભેર જાતે હળ ચલાવવા મજબૂર
પાવી જેતપુરના એક દારુણ ગરીબીમાં જીવતા ખેડૂત પેટનો ખાડો પૂરવા માટે જાતે બળદના બદલે હળ ખેચવા મજબૂર બન્યો છે અને સ્વમાનભેર ખેતી કરી રહ્યો છે. આ જોઈને રૂવાડા ઊભા થઇ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના : આ ગીત ૧૯૫૭ માં આવેલી નયા દૌર ફિલ્મનુ છે, અને આ ગીત દીલીપકુમાર વૈજંતી માલા ઉપર ફિલ્માવવામાં આવ્યું છે. જેમાં એકબીજાના સહયોગથી કામ કરતાં નજરે પડે છે, પરંતુ દારુણ ગરીબીમાં માણસ શું કરે તેની કલ્પના માત્રથી રૂવાડા ઊભા થઈ જાય છે, ત્યારે આવો જ એક રૂવાડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે પાવી જેતપુર ખાતેથી.
એક વિગા જમીનમાં ખેતી કરતાં અનુપભાઈ વેચાતભાઈ નામના ખેડૂત પાસે આવકનું બીજું કોઈ સાધન નથી, પોતાનો એક દીકરો છે તે પણ માનસીક રીતે દીવ્યાંગ છે. અને પરિવારમાં ચાર જણાનું ગુજરાન કરવા માટે ખેતી જ એક વ્યવસાય છે. પરંતુ ખેતી કરવા માટે નથી ટ્રેક્ટર કે નથી બળદ, આવક ઓછી હોવાને કારણે ભાડે પણ લઈ શકતા નથી. જેને લઈને ખેતરને ખેડવા માટે પોતાની પત્ની સાથે મળીને હળને દોરડું બાંધીને પોતાના ખભે મૂકીને ખેચે છે અને પત્ની પાછળના ભાગથી જમીનને ખેડતા હ્રદયને હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો મક્કમ મનના માનવીને પણ અંદરથી હલાવી નાખે તેવા છે.
આ દ્રશ્યો જોયા પછી તેઓ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ કે મારી પાસે બાપદાદાની એક વિગા જમીન છે, જેમાથી પૂરું નથી થતું એટલે હું બીજાની એક બે એકર જમીન ખેડુ છુ. જીવવા માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છે.મારા પરિવારમાં બીજું કોઈ નથી.